NCLTએ ICICI સિક્યુરિટીઝના ડિલિસ્ટિંગને મંજૂરી આપી
મુંબઇ, 21 ઓગસ્ટઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT), મુંબઇએ ICICI સિક્યુરિટીઝને શેરબજારોમાંથી ડિલિસ્ટ કરવાની મંજૂરી આપી છે. જસ્ટિસ વિરેન્દ્ર સિંઘ જી. બિષ્ટ અને ટેક્નિકલ સદસ્ય પ્રભાત કુમારની ડિવિઝન બેન્ચે ORAL ORDERમાં સ્કીમને મંજૂરી આપતાં ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડ અને લઘુમતી શેરધારક મનુ ઋષિ ગુપ્તાના વાંધાઓને ફગાવ્યાં હતાં. આદેશની વિગતો ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવે તેવી સંભાવના છે.
જૂન 2023માં ICICI સિક્યુરિટીઝે શેરબજારો ઉપરથી તેના શેર્સ ડિલિસ્ટ કરવાની અને ત્યારબાદ તેની પેરેન્ટ ICICI બેંકની સંપૂર્ણ માલીકીની પેટા કંપની બનાવવાની યોજના જાહેર કરી હતી. આ સ્કીમ ICICI સિક્યુરિટીઝના શેરધારકોને પ્રત્યેક 100 શેર સામે ICICI બેંકના 67 શેર્સ ઓફર કરે છે.
જોકે, ICICI સિક્યુરિટીઝના 0.002 ટકા હિસ્સો ધરાવતા લઘુમતી શેરધારક મનુ ઋષિ ગુપ્તા અને ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડે 0.08 ટકા હિસ્સા સાથે અલગથી ડિલિસ્ટિંગનો વિરોધ કર્યો હતો તથા લઘુમતી શેરધારકો માટે સ્વેપ રેશિયો અયોગ્ય હોવાનો દાવો કર્યો હતો. જોકે, NCLTએ તેમના વાંધાઓને ફગાવ્યાં હતાં અને સ્કીમને માન્ય રાખી હતી, જેને અગાઉ ICICI સિક્યુરિટીઝના 93.8 ટકા શેરધારકો દ્વારા મંજૂરી અપાઇ હતી.
આ વાંધાઓને પડકારતા ICICI સિક્યુરિટીઝે દલીલ કરી હતી કે કંપનીના પ્રસ્તાવિક ડિલિસ્ટિંગ સામેની દાખલ કરાયેલી બે અરજીઓ શેરધારક ડેમોક્રેસીના સિદ્ધાંતનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરે છે. તેણે દલીલ કરી હતી કે અરજદારો પાસે કોઇ અધિકાર નથી કારણકે કંપનીઝ એક્ટની કલમ 230(4)ની જોગવાઇ અનુસાર કાયદાની કલમ 230 હેઠળ વ્યવસ્થાની યોજના ઉપર કોઇપણ પ્રકારનો વાંધો માત્ર તે વ્યક્તિઓ કરી શકે કે જેઓ ઓછામાં ઓછા 10 ટકા ઇક્વિટી અથવા 5 ટકા ડેટનો હિસ્સો ધરાવતા હોય.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)