દિલ્હી, નવેમ્બર 28 2024: વીજ પુરવઠો વધતા અને અનુકૂળ ચોમાસાના કારણે તાજેતરના મહિનાઓમાં એક્સચેન્જો પર વીજળીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સ્થિર વરસાદ અને ઉત્પાદનમાં વધારો થવાથી ઈંધણની ઉપલબ્ધતા મજબૂત થવા સાથે ડે-અહેડ માર્કેટ (ડીએએમ)માં વીજળીની કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

નાણાંકીય વર્ષ 2025 ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં, ડીએએમમાં ભાવ ગયા વર્ષના સમાન સમયગાળામાં પ્રતિ યુનિટ રૂ. 5.53થી લગભગ 12 ટકા ઘટીને રૂ. 4.87 પ્રતિ યુનિટ થયા હતા. નવેમ્બરમાં આ વલણ ચાલુ રહ્યું અને 1 નવેમ્બરથી 24 નવેમ્બર 2024 સુધીમાં સરેરાશ ડીએએએમ કિંમતો વધુ ઘટીને રૂ. 3.21 પ્રતિ યુનિટ થઈ છે, જે વાર્ષિક 21 ટકાનો ઘટાડો સુચવે છે. એ જ રીતે 1થી 24 નવેમ્બર 2024 દરમિયાન રિયલ ટાઇમ માર્કેટમાં માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ વાર્ષિક 20 ટકા ઘટી સરેરાશ ભાવ રૂ. 3.34 પ્રતિ યુનિટ રહ્યો હતો.

ઓક્ટોબર 2024માં પ્રકાશિત થયેલા સરકારી આંકડા અનુસાર દેશનો ઊર્જા વપરાશ 140.4 BU રહ્યો હતો, જે અગાઉના વર્ષની સરખામણીમાં 1 ટકાનો નજીવો વધારો સુચવે છે. ઑક્ટોબર 2024 દરમિયાન ડે અહેડ માર્કેટમાં માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ વાર્ષિક 39 ટકા ઘટીને રૂ. 3.92 પ્રતિ યુનિટ હતી. એ જ રીતે ઑક્ટોબર 2024 દરમિયાન રિયલ ટાઇમ માર્કેટમાં માર્કેટ ક્લિયરિંગ પ્રાઇઝ વાર્ષિક 38 ટકા ઘટી રૂ. 3.77 પ્રતિ યુનિટ રહી હતી.

સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી ના ડેટા અનુસાર,ભારતમાં વીજ ઉત્પાદન નાણાંકીય વર્ષ 2025ના પ્રથમ છ મહિનામાં અગાઉના વર્ષના સમાન સમયગાળાના 897.77 બીયુથી લગભગ 6 ટકા વધીને 951.10 બીયુ થયું હતું. થર્મલ પાવરનું ઉત્પાદન 5.47 ટકા વધી 690.13 બીયુ, જ્યારે સારા ચોમાસાના વરસાદને કારણે મોટા જળવિદ્યુત મથકોએ 94.50 બીયુનું યોગદાન આપ્યું, જે ગયા વર્ષ કરતાં 4.16% વધારે છે.

સુધરેલા ચોમાસાએ ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં વીજળીની માંગને કાબૂમાં રાખવામાં પણ મદદ કરી હતી. પૂરતા વરસાદના કારણે સિંચાઈ માટે પમ્પિંગની જરૂરિયાત ઘટતા સપ્ટેમ્બરમાં સમગ્ર દેશમાં વીજળીની સર્વોચ્ચ માંગ 1.4 ટકા ઘટીને 231,076 મેગાવોટ થઈ હતી, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 243,271 મેગાવોટ હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)