અમદાવાદ, 24 માર્ચઃ શુક્રવારે સોના-ચાંદીના અમદાવાદ હાજર બજારમાં ધૂમ તેજી વચ્ચે ચાંદીનો કીલોદીઠ ભાવ રૂ. 70000ની સપાટી ક્રોસ કરી ગયો હતો. જ્યારે સોનું રૂ. 61600ની નવી ટોચે આંબી ગયું હતું. સોનું (99.9) 10 ગ્રામદીઠ રૂ.600 વધી 61600ની નવી ટોચે બિરાજ્યું હતું. ચાંદી પણ કિલોદીઠ રૂ. 1000 વધી રૂ. 70500ની ટોચે ક્વોટ થઈ હતી.

અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં 0.25 ટકાનો વધાર્યા બાદ જાહેરાત કરી છે કે, હવે 2023માં વ્યાજદરમાં કોઈ વધારો કરે તેવી શક્યતા નથી. બેન્કિંગ ક્રાઈસિસ વચ્ચે સરકાર કોઈ ખાસ ચોક્કસ નિવેદન આપી રહી નથી. જેના પગલે લોકો સોના-ચાંદી તરફ ડાયવર્ટ થઈ રહ્યા હોવાનું કોમોડિટી નિષ્ણાતો જણાવી રહ્યા છે.

…… તો સોનું રૂ. 65000ની સપાટી પાર કરી શકે….

સ્થાનિક બજારોમાં જ્વેલરી સેગમેન્ટમાં કોઈ ખાસ ઘરાકી નથી. પરંતુ કાચા માલની આવક સતત વધી રહી છે. પ્રોફિટ બુકિંગ પણ વધ્યું છે. વૈશ્વિક સ્તરે આર્થિક મંદી અને ઇકિવિટી માર્કેટમાં નેગેટિવ રિટર્નના કારણે રોકાણકારો સોના-ચાંદીમાં ડાઇવર્ટ થઇ રહ્યા છે. આ વર્ષે સોનુ 65 હજાર સુધી પહોંચવાની શક્યતા હોવાનું નિષ્ણાતો જણાવે છે.