અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ એક તરફ સેકન્ડરી માર્કેટમાં સાર્વત્રિક પ્રોફીટ બુકિંગનો માહોલ હતો તો બીજી તરફ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઇપીઓમાં અને બજાજ ઓટોના શેર્સમાં નવા રેકોર્ડ સર્જાયેલા જોવા મળી રહ્યા છે. સપ્તાહના શરૂઆતી બે દિવસના સુધારામાં બુધવારે ચાર્ટીસ્ટોની ધારણા પ્રમાણે બ્રેક લાગી હતી. એનએસઇમાં 5 ઇન્ડેક્સો ઘટીને બંધ રહ્યા હતા. દિવસનો સ્ટાર પરફોર્મર બજાજ ઓટો હતો. રૂ. 10987ના બંધ સામે 11067 ખુલી શરૂઆતમાં જ 10986 થઇ સતત સુધરી 11501ના નવા ઐતિહાસિક શીખરે પહોંચી છેલ્લે રૂ. 442.40(4.03%)  વધી 11430 બંધ રહ્યો હતો. સરકારની ટૂ વ્હીલર ઇવી અંગેની પ્રોત્સાહક જાહેરાતની સંભાવનાએ પણ બજાજ ઓટોને દોડવા ઢાળ આપ્યો હતો.

ક્રુડ તેલના ભાવ 70 ડૉલરથી નીચે ઉતરી જવાના કારણે ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ટોન ઢીલો હતો. ઓએનજીસી 3%  ઘટીને 286 થઇ ગયો હતો તો સામે આ ભાવ ઘટાડાથી પેઇન્ટ્સ શેરોને ફાયદો થવાના અંદાજે એશીયન પેઇન્ટ્સ સવા બે ટકા સુધરી 3368 અને નિફ્ટી નેક્સ્ટ 50નો બર્જર પેઇન્ટ્સ 2.53%  વધી રૂ. 617 થયા હતા.

એનએસઇના 77માંથી માત્ર 7 જ ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી 0.49%, 122 પોઇન્ટ્સ ઘટી  24918 બંધ રહ્યો હતો.  સેન્સેક્સ 0.49%, 398 પોઇન્ટ્સ તૂટી 81523 હતો. બેન્ક નિફ્ટી 262 પોઇન્ટ્સ ઘટી 51010 રહ્યો હતો.

નિફ્ટીમાં સામેલ બ્રિટાનીયા 0.80% વધી 6017 થયો હતો. પેકેજ્ડ ફુડ્સને જીએસટી રાહત મળી તેનો આ કંપનીને સારો ફાયદો થશે એવી અપેક્ષાએ બુધવારે આ એફએમસીજી શેરે 6047.05નો નવો ઐતિહાસિક હાઇ નોંધાવ્યો હતો. ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 1.92% ઘટી ગયો હતો.      

આવતા સપ્તાહે અમેરિકન ફેડરલ રિઝર્વ 0.25 ટકા વ્યાજ કપાત આપે એવો 67% અને 0.50%  રેટ કટનો 33% જ ચાન્સ છે. મ્યુચ્યુઅલ ફંડોના લાર્જકેપ ફંડોમાં ઓગષ્ટમાં રોકાણમાં ભારે વધારો થયો હોવાના અહેવાલ પછી પણ ચાર્ટીસ્ટો નિફ્ટી 25700 આ સપ્તાહે દેખાડશે નહીં એવો મત વ્યક્ત કર્યો એના બીજા દિવસે જ સુધારાની ગાડીને બ્રેક લાગી છે. સેન્સેક્સના 30માંથી 7 અને બેન્કેક્સના 10માંથી માત્ર એક શેર યસ બેન્ક 3.70% વધી 23.83 બંધ થયો હતો. એનએસઇના 2835 ટ્રેડેડ શેરોમાંથી 1019 વધ્યાં, 1728 ઘટ્યાં અને 88 સ્થિર રહેતાં માર્કેટ બ્રેડ્થ ખરાબ થઇ હતી. બાવન સપ્તાહના નવા હાઇ 147 શેરોએ અને નવા લો 26 શેરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કીટે 115 તો નીચલી સર્કીટે 72 શેરો ગયા હતા.

બજાજ હાઉસીંગ ફાઇનાન્સ આઇપીઓ 63.58 ગણો ભરાયો

બજાજ હાઉસીંગ ફાઇનાન્સનો આઇપીઓ બુધવારે બંધ થવાના દિવસે બીએસઇ વેબસાઇટની માહિતી મુજબ સમગ્રપણે 63.58 ગણો ભરાયો છે. રૂ. 10ની ફેસ વેલ્યુના શેરની અરજી માટે પ્રાઇસ બેન્ડ રૂ. 66થી 70ની છે. સૌથી વધુ ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સ (ક્યુઆઇબી) પોર્શન 209.36 ગણો ભરાયો છે. નોન ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (એનઆઇઆઇ) પોર્શન 41.47 ગણો , રિટેલ પોર્શન 6.99 ગણો અને શેરહોલ્ડરો માટે રિઝર્વ્ડ પોર્શન 17.48 ગણો ભરાયો હોવાનું બીએસઇના વેબસાઇટ પરથી જાણવા મળે છે.

જેએસડબલ્યુ ઇન્ફ્રા બંધ રૂ. 330. કોટકે 11 મહીનામાં એનુ ટારગેટ 215 બતાવ્યું છે તો સામે બીએનપી પારિબાસ માને છે કે કંપની ભવિષ્યમાં રૂ. 500 કરોડના  ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટમાં સફળ થાય તો શેરનો ભાવ 100 રૂપિયા વધી શકે છે. સુઝલોનમાં 5 ટકાની ઉપલી સર્કીટનો સીલસીલો ચાલુ રહેવા સાથે રૂ. 81.95 બંધ રહ્યો હતો. પ્રીઝમ જોહ્નસન મંગળવારે 20 ટકા વધ્યા પછી બુધવારે વધુ 11 ટકાના ગેઇને રૂ.231.65 બંધ રહ્યો હતો. રૂ. 246.10નો બાવન સપ્તાહનો હાઇ બુધવારે નોંધાયો હતો. વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ મંગળવારના 16 ટકાના ઉછાળા પછી બુધવારે વધુ 5% વધી  રૂ. 261.20, નીરજ સિમેન્ટમંગળવારે 20% અને બુધવારે વધુ 11% ટકા વધી  રૂ. 71.45 બંધ રહ્યા હતા.

એફઆઇઆઇની રૂ. 1755    કરોડની અને ડીઆઇઆઇની પણ રૂ. 230.90 કરોડની નેટ લેવાલીએ એકંદરે રૂ. 1985.90 કરોડની નેટ લેવાલી કેશ સેગ્મન્ટમાં જોવા મળી હતી. બીએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 460.76(463.50) લાખ કરોડ થયુ હતુ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)