2022માં લિસ્ટેડ 38માંથી 24 IPOમાં પોઝિટિવ અને 14માં નેગેટિવ રિટર્ન
તમામ 38 આઇપીઓમાં એકત્રિત ઇશ્યૂ પ્રાઇસ સામે લિસ્ટિંગ પછી એકત્રિત એવરેજ 21.81 ટકા રિટર્ન છૂટતાં રોકાણકારોને લીલા લહેર
અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે વિતેલું કેલેન્ડર વર્ષ મિક્સ ટોન વાળું રહ્યું હતું. કુલ લિસ્ટેડ 38માંથી 24 આઇપીઓ પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે. જ્યારે 14 આઇપીઓ એવાં પણ લિસ્ટેડ થયા છે કે, જેમાંથી મોટાભાગનાની સ્થિતિ નામ બડે ઔર દર્શન ખોટે જેવી રહી છે. જેમાં રોકાણકારોની મૂડીની મોકાણ પણ થઇ ગઇ છે. વર્ષ 2022માં સેન્સેક્સમાં 2.72 ટકા અને નિફ્ટીમાં 4.32 ટકાનો સુધારો નોંધાયો હતો. તેની સરખામણીમાં આઇપીઓ માર્કેટમાં લિસ્ટેડ 38 IPOમાં ડબલ ડિજિટમાં સરેરાશ 21.81 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. IPO માર્કેટમાંથી 2022માં કુલ 40 કંપનીઓએ IPO હેઠળ રૂ. 59412.36 કરોડ એકત્ર કર્યા હતાં. કંપનીઓ IPO ફંડિંગ મામલે 2021માં 1.18 લાખ કરોડ કરતાં 2022માં અડધુ જ ફંડ એકત્ર કરી શકી હતી. IPOમાં રોકાણ કરતાં રોકાણકારોને આ વર્ષે ડબલ ડિજિટમાં રિટર્ન પ્રાપ્ત થયું છે. જો બધા જ IPO લાગ્યા હોય તો લિસ્ટેડ 38 IPOમાં એવરેજ ઈશ્યૂ પ્રાઈઝ સામે સરેરાશ 21.81 ટકા નફો મેળવ્યો છે. જેમાં સૌથી કમાણી અદાણી વિલમરમાં થઈ હતી. અદાણી વિલમર વર્ષના અંતે 168.52 ટકા રિટર્ન સાથે બેસ્ટ IPO પર્ફોર્મર રહ્યો હતો. જ્યારે હરીઓમ પાઈપ્સમાં 134.87 ટકા અને વિનસ પાઈપ્સમાં 119.20 ટકા રિટર્ન છૂટ્યું હતું.
નવા વર્ષે 84થી વધુ કંપનીઓ રૂ. 1.68 લાખ કરોડ એકત્ર કરશે
નવા વર્ષે (2023) 84થી વધુ કંપનીઓ IPO મારફત રૂ. 1.68 લાખ કરોડથી વધુ ફંડ એકત્ર કરી શકે છે. સેબી સમક્ષ ફાઈલ પ્રોસ્પેક્ટ્સ અનુસાર, 32થી વધુ IPO મંજૂરી માટે રાહ જોઈ રહ્યા છે.
IPO માર્કેટમાં કોઈ ખાસ ઝાકમઝોળ નહીં
ગત વર્ષ 2021ની જેમ 2022માં IPO રિટર્ન આપવા મામલે કોઈ ખાસ પ્રદર્શન આપી શક્યા ન હતા. માર્કેટની વોલેટિલિટીના પગલે પોઝિટીવ રિટર્ન આપતાં 23 IPOમાંથી માત્ર 3માં જ 100 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. અન્ય 3માં 50 ટકાથી 80 ટકા, જ્યારે 15માં 12 ટકાથી 47 ટકા રિટર્ન મળ્યુ હતું.
IPO | ઈશ્યૂ પ્રાઈઝ | છેલ્લો બંધ | ઉછાળો |
અદાણી વિલમર | 230 | 617.6 | 168.52% |
હરીઓમ પાઈપ્સ | 153 | 359.35 | 134.87% |
વિનસ પાઈપ્સ | 326 | 714.6 | 119.20% |
વેરાન્ડા લર્નિંગ | 137 | 246.45 | 79.89% |
પ્રુડન્ટ કોર્પોરેટ | 630 | 987.95 | 56.82% |
વેદાંત ફેશન્સ | 866 | 1335.5 | 54.21% |
ઈલેક્ટ્રોનિક્સ માર્ટ | 59 | 86.2 | 46.10% |
બિકાજી ફુડ્સ | 300 | 437.3 | 45.77% |
કેમ્પસ એક્ટિવવેર | 292 | 414.05 | 41.80% |
પારાદીપ ફોસ્ફેટ્સ | 42 | 58.9 | 40.24% |
ગ્લોબલ હેલ્થ લિ. | 336 | 468.1 | 39.32% |
રેનબો ચિલ્ડ્રન્સ મેડીકેર | 542 | 740.15 | 36.56% |
એથર ઈન્ડસ્ટ્રીઝ | 642 | 838.4 | 30.59% |
ફાઈવ સ્ટાર બિઝનેસ | 474 | 613.7 | 29.47% |
આર્કિયન કેમિકલ્સ | 407 | 525.55 | 29.13% |
કેઈન્સ ટેક્નોલોજીસ | 587 | 751 | 27.94% |
સિરમા એસજીએસ | 220 | 281.15 | 27.80% |
ઈમુદ્રા લિમિટેડ | 256 | 315.8 | 23.36% |
હર્ષા એન્જિનિયર્સ | 330 | 382.6 | 15.94% |
ઈથોસ લિમિટેડ | 878 | 1017.05 | 15.84% |
ડ્રીમફ્લોક્સ લિ. | 326 | 364.45 | 11.79% |
DCX સિસ્ટમ્સ લિ. | 207 | 224.95 | 8.67% |
ટ્રેક્સન ટેક્નોલોજીસ | 80 | 80.05 | 0.06% |
એજીએસના IPOએ રોવડાવ્યાં
એજીએસ ટ્રાન્સેક્ટ ટેક્નોલોજીના IPOમાં રોકાણકારો રાતા પાણીએ રોયા હતા. કેલેન્ડર વર્ષ 2022નો પ્રથમ લિસ્ટેડ એજીએસ ટ્રાન્સેક્ટે 8 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ નેગેટીવ પર્ફોર્મન્સ સાથે વર્ષના અંતે 64 ટકા તૂટ્યો હતો. ડિસેમ્બર મહિનાના કરેક્શનના માહોલ વચ્ચે સાત IPOનું નેગેટિવ લિસ્ટિંગ સાથે 2022માં કુલ 14 IPOમાં નેગેટિવ રિટર્ન જોવા મળ્યુ હતું. જેમાં 6માં ઈશ્યૂ પ્રાઈઝ સામે ડબલ ડિજિટમાં અર્થાત 16થી 32 ટકા ડિસ્કાઉન્ટ નોંધાયુ હતું.
14 નેગેટીવ IPO
IPO | ઈશ્યૂ પ્રાઈઝ | છેલ્લો બંધ | ઘટાડો |
એજીએસ ટ્રાન્સેક્ટ | 175 | 63.7 | -63.60% |
ડેલ્હિવરી લિ. | 487 | 331.55 | -31.92% |
ઉમા એક્સપોર્ટ્સ | 68 | 47.75 | -29.78% |
અબાનસ હોલ્ડિંગ્સ | 270 | 190 | -29.63% |
એલઆઈસી | 949 | 684.6 | -27.86% |
આઈનોક્સ ગ્રીન એનર્જી | 65 | 47.9 | -26.31% |
ધર્મજ ક્રોપ | 237 | 199.55 | -15.80% |
કિસ્ટોન રિયલ્ટર્સ | 541 | 493.35 | -8.81% |
એલિન ઈલેક્ટ્રોનિક્સ | 247 | 227.8 | -7.77% |
સુલા વાઈનયાર્ડ્સ | 357 | 331.8 | -7.06% |
KFin ટેક્નોલોજીસ લિ. | 366 | 344.55 | -5.86% |
તમિલનાડ મર્કેન્ટાઈલ | 510 | 479.05 | -6.07% |
ફ્યુઝન માઈક્રો | 368 | 362.95 | -1.37% |
યુનિપાર્ટ્સ ઈન્ડિયા | 577 | 574.25 | -0.48% |
Source: BSE india