ક્રિપ્ટોને ગેમ્બલિંગ હેઠળ આવરી લઈ ટેક્સ વસૂલાતની માગ
11 ક્રિપ્ટો એક્સચેન્જીસ પાસેથી જીએસટી ચોરી પેટે 96 હજાર કરોડ રિકવર
કેન્દ્ર સરકારે જીએસટી ચોરી મામલે 11 ક્રિપ્ટો એક્સચેન્જીસ પાસેથી રૂ. 95.86 કરોડ રિકવર કર્યા છે. દેશના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સ, કોઈનસ્વિચ કુબેર, કોઈનડીસીએક્સ, યુકોઈન, યુનોકોઈન અને ફ્લિટપે સહિતના એક્સચેન્જીસ પાસેથી જીએસટી ન ચૂકવવા બદલ પેનલ્ટી અને વ્યાજ સહિત રૂ. 95.86 કરોડ વસૂલવામાં આવ્યા હોવાનુ નાણા મંત્રાલયે જણાવ્યું હતું. ઝેબ આઈટી સર્વિસિઝ, સિક્યોર બિટકોઈન ટ્રેડર્સ, જિયોટસ ટેક્નોલોજીસ, ઝેબપે અને ડિસિડિયમ ઈન્ટરનેટ લેબ્સ પણ તેમાં સમાવિષ્ટ છે. જીએસટી પેટે 11 ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જીસે કુલ 81.54 કરોડની ચોરી કરી હતી. જેમાં વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ રૂ. 95.86 કરોડ વસૂલવામાં આવ્યા છે. સૌથી વધુ વઝીરએક્સ પાસેથી રૂ. 49.18 કરોડ, કોઈનડીસીએક્સ પાસેથી રૂ. 17.1 કરોડ, કોઈનસ્વિચ કુબેર પાસેથી રૂ. 16.07 કરોડ વસૂલવામાં આવ્યા છે. દેશમાં થતા ગુડ્સ એન્ડ સર્વિસિઝના તમામ ટ્રાન્જેક્શન પર જીએસટી ચૂકવવો અનિવાર્ય છે. 30 નવેમ્બર, 2021માં નાણા મંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતુ કે, ઈનકમ ટેક્સ એક્ટ, 1961માં ક્રિપ્ટો કરન્સી દ્વારા થતી આવકો પર કોઈ અલગ જોગવાઈ નથી. જેથી ક્રિપ્ટો સર્વિસ આપતા પ્લેટફોર્મ્સે બિઝનેસ અને પ્રોફેશન અંતર્ગત થતી આવકો પર જીએસટી ચૂકવવો અનિવાર્ય છે.
ક્રિપ્ટો કરન્સી પર ટેક્સ 30 ટકાથી વધારવા માગ
જાપાન, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા સહિતના દેશોની જેમ ભારતમાં પણ ક્રિપ્ટો કરન્સી પર થતાં વ્યવહારોને ગેમ્બ્લિંગ (જુગાર પ્રવૃત્તિ) હેઠળ આવરી લઈ તેના પર વસૂલવામાં આવતાં 55 ટકા ટેક્સ જેવી સિસ્ટમ લાગૂ કરવા માગ કરી છે. બીજેપી સાંસદ સુશીલ કુમાર મોદીએ ક્રિપ્ટો કરન્સી કોમોડિટી, સંપત્તિ કે ગુડ્સ કે સર્વિસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી નથી. તે લોટરી, હોર્સ રેસિંગ જેવી જુગાર પ્રવૃત્તિ છે. તદુપરાંત ક્રિપ્ટો સર્વિસ પ્રોવાઈડર પર લાગૂ 18 ટકા જીએસટીનો દર પણ વધારવો જોઈએ. ઓનલાઈન ગેમિંગ, ડિજિટલ લેન્ડિંગ, સોશિયલ મીડિયા અને એડ્ટેક્ માટે પણ ધારા-ધોરણો બનાવી ટેક્સ વસૂલવા માગ કરી છે.
રોજિંદા 3-4 કરોડના વોલ્યુમ થઈ રહ્યા છે
દેશમાં કાર્યરત ક્રિપ્ટો એક્સચેન્જીસ પર રોજિંદા 3થી 4 કરોડના વોલ્યુમ થઈ રહ્યાં છે. દેશમાં નાના-મોટા સહિત અંદાજિત 25થી વધુ ક્રિપ્ટો એક્સચેન્જીસ કાર્યરત છે. વઝીરએક્સ, કોઈનડીસીએક્સ જેવા ટોચના ક્રિપ્ટો એક્સચેન્જીસમાં રજિસ્ટર્ડ ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સની સંખ્યા 1 કરોડથી વધુ છે. કેન્દ્ર સરકારને આગામી સમયમાં આ ક્રિપ્ટો એક્સચેન્જીસ મારફત જીએસટી હેઠળ આવકો વધવાનો અંદાજ છે.
45 હજાર કરોડના ક્રિપ્ટો હોલ્ડિંગ ટ્રાન્જેક્શન પર 15 હજાર કરોડથી વધુ આવક
ચેઈનએનાલિસિસના રિપોર્ટ અનુસાર, દેશની કુલ વસ્તીના 7.30 ટકા લોકો અર્થાત 10 કરોડથી વધુ ભારતીયો અંદાજિત 6 અબજ ડોલર (રૂ. 45684 કરોડ)નું રોકાણ ક્રિપ્ટો કરન્સીમાં ધરાવે છે. આગામી નાણાકીય વર્ષથી ક્રિપ્ટો પર 30 ટકા ટેક્સ લાગૂ થઈ રહ્યો છે. જે અંતર્ગત વર્તમાન ક્રિપ્ટો હોલ્ડિંગમાં ઈન્વેસ્ટર્સ દ્વારા ટ્રાન્જેક્શન થાય તો સરકારને ટેક્સ મારફત અંદાજે સરેરાશ રૂ. 15 હજાર કરોડની આવક થઈ શકે છે.