ICICI સિક્યુરિટીઝના ડિલિસ્ટિંગને રિટેલ રોકાણકારોના વિરોધ છતાં મંજૂરી મળી
અમદાવાદ, 28 માર્ચઃ સંસ્થાકીય શેરધારકોએ ICICI સિક્યુરિટીઝને ડિલિસ્ટ કરીને તેની મૂળ કંપની સાથે મર્જ કરવાની દરખાસ્તને લીલીઝંડી આપી છે. કારણ કે મોટા સંસ્થાકીય રોકાણકારો ICICI સિક્યુરિટીઝના નોંધપાત્ર હિસ્સાની માલિકી ધરાવે છે, તેઓ દરખાસ્તને આગળ ધપાવવામાં સક્ષમ હતા. વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો મળીને કંપનીનો 16.68 ટકા હિસ્સો ધરાવે છે. બીજી તરફ, સ્ટોક એક્સચેન્જમાં શેરહોલ્ડિંગ પેટર્નના ડેટા અનુસાર, 31 ડિસેમ્બર, 2023 સુધીમાં બિન-સંસ્થાકીય જાહેર શેરધારકો માત્ર 8.55 ટકા ધરાવે છે. કંપનીની જાહેરાતને પગલે ICICI સિક્યુરિટીઝના શેરની કિંમત ગુરુવાર, 28 માર્ચે સવારના ટ્રેડિંગ સેશનમાં 4 ટકાથી વધુ ઘટી હતી. ICICI સિક્યુરિટીઝના શેરની કિંમત અગાઉના ₹741.10ના બંધ સામે ₹720.80 પર ખુલી હતી અને ટૂંક સમયમાં લગભગ 4.2 ટકા ઘટીને ₹710ના સ્તરે આવી હતી. અંતે 1.94 ટકા ઘટાડે 726.75 પર બંધ રહ્યો હતો.
અગાઉ પ્રોક્સી એડવાઇઝરી ફર્મ્સ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર એડવાઇઝરી સર્વિસિસ (IiAS) અને ISS એ ICICI સિક્યુરિટીઝના ડિલિસ્ટિંગને ટેકો આપ્યો હતો અને કંપનીના શેરધારકોને ડિલિસ્ટિંગની તરફેણમાં મત આપવા સલાહ આપી હતી. અન્ય બે પ્રોક્સી એડવાઇઝરી ફર્મ્સ, સ્ટેકહોલ્ડર એમ્પાવરમેન્ટ સર્વિસીસ (SES) અને InGovern Research Servicesએ પણ ICICI સિક્યુરિટીઝના ડિલિસ્ટિંગને ટેકો આપવા સંસ્થાકીય રોકાણકારોને ભલામણ કરી હતી.
ICICI સિક્યુરિટીઝ હવે તેના શેરને સ્ટોક એક્સચેન્જમાંથી ડિલિસ્ટ કરશે અને બેન્કિંગ જાયન્ટ સાથે મર્જ થશે. 25 જૂન 2023ના રોજ, ICICI સિક્યોરિટીઝે વ્યવસ્થાની યોજના દ્વારા તેની ડિલિસ્ટિંગ યોજનાની જાહેરાત કરી. આ સ્કીમ હેઠળ, ICICI સિક્યુરિટીઝના શેરધારકો તેમની પાસેના દરેક 100 શેર માટે ICICI બેન્કના 67 શેર મેળવશે. સફળ અમલીકરણ પર, ICICI સિક્યુરિટીઝ ICICI બેન્કની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે કામ કરશે.
31 ડિસેમ્બર, 2023 સુધીમાં, ICICI બેન્ક પાસે ICICI સિક્યુરિટીઝના 74.77 ટકા ઇક્વિટી શેર હતા અને બાકીના 25.23 ટકા ઇક્વિટી શેર લોકો પાસે હતા.