નવી દિલ્હી: દેવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના વાધવાન બંધુઓએ દેશની વિવિધ બેન્કો સાથે રૂ. 34,615 કરોડની છેતરપિંડી માટે 87 સેલ કંપનીઓ બનાવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ તાજેતરમાં ફાઈલ કરેલી ચાર્જશીટ મુજબ દેવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે 2,60,000 નકલી લોન ધારકોના આંકડા દર્શાવ્યા હતા. તેણે બેન્કમાંથી લીધેલી લોનની રકમ ટ્રાન્સફર કરવા માટે વર્ચ્યુઅલ બ્રાન્ચ બનાવી હતી. દેશના બેન્કિંગ જગતના સૌથી મોટા કૌભાંડમાં સામે આવેલો આ ખુલાસો છે. સીબીઆઈની ચાર્જશીટમાં જણાવાયું છે કે કપિલ અને ધીરજ વાધવને બેન્કોમાંથી લીધેલા નાણાં અન્ય હેતુઓ માટે ડાયવર્ટ કર્યા હતા. તેમજ ₹63 કરોડની કિંમતની 24 પેઇન્ટિંગ્સ પણ ખરીદી હતી. દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડના રૂ. 34,615 કરોડના બેન્ક કૌભાંડની તપાસ સીબીઆઈની વિશેષ અદાલત કરી રહી છે.

અગાઉ જુલાઈમાં, વિશેષ CBI કોર્ટે DHFLના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર્સ કપિલ વાધવન અને ધીરજ વાધવનને રિમાન્ડ પર લીધા હતા. અંડરવર્લ્ડ ડોન છોટા શકીલનો સહયોગી અજય મહાવર પણ DHFL લોન કૌભાંડમાં સંડોવાયેલો હતો. સીબીઆઈએ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની 17 બેન્કોના કન્સોર્ટિયમની ફરિયાદ પર કપિલ વાધવાન અને ધીરજ વાધવન સહિત અનેક લોકો સામે કેસ નોંધ્યો હતો. બેન્કોના કન્સોર્ટિયમે 2010-2018 દરમિયાન DHFLને 42,871 કરોડ રૂપિયાની લોન આપી હતી.

બેન્કો એ વાધવાન બંધુઓ સામે કરેલા આરોપો

વાધવાન બંધુઓએ ગુનાહિત કાવતરાના ભાગરૂપે તથ્યોને ખોટી રીતે રજૂ કરી દબાવી દીધા હતા

મે 2019 થી લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કરીને 34,615 કરોડ રૂપિયાના જાહેર ભંડોળનો દુરુપયોગ કર્યો.

અજયના ઘરમાંથી મળેલી વસ્તુઓ બેન્કો પાસેથી લીધેલી લોનમાંથી ખરીદી હતી

સીબીઆઈ અધિકારીના જણાવ્યા અનુસાર અજયના ઘરેથી જે વસ્તુઓ મળી આવી છે તે બેન્કો પાસેથી લીધેલી લોનના પૈસાથી ખરીદવામાં આવી હતી. અત્યારે આ કેસની તપાસ ચાલી રહી છે અને એજન્સી બેન્કો પાસેથી મળેલા નાણાંના રોકાણ વિશે તપાસ કરી રહી છે. 8 જુલાઈએ જ સીબીઆઈએ મહાબળેશ્વરના દિવાન વિલા ખાતે રેબેકા દેવાનના ઘરની પણ તલાશી લીધી હતી. ત્યાંથી મોટી માત્રામાં ચિત્રો, શિલ્પો, રોકડ અને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હતા.