E(earn)P(Plan)S(save): સોસિયો- ફાઇનાન્સિયલ ફ્રીડમ: સામાજિક અને આર્થિક સ્વતંત્રતા
સોસિયો- ફાઇનાન્સિયલ ફ્રીડમ! અર્થાત્ સામાજિક અને આર્થિક જવાબદારીઓમાંથી સ્વતંત્ર/ મુક્ત બનવું. એવરેજ લાઇફમાં માણસ જિંદગીના 25- 65 વર્ષ સામાજિક અને આર્થિક જવાબદારીઓ નિભાવવામાં વિતાવી દે છે. સંસારી જીવનમાં સૌથી મહત્વની જરૂરિયાત: પ્રેમ અને લક્ષ્મી! બન્ને શબ્દ છે અઢી અક્ષરના. આ બન્ને કમાવા પાછળ 100માંથી 95 ટકા લોકો મોટાભાગની જિંદગી ખર્ચી નાંખે છે. બન્નેની એવરેજ પણ એકસરખી જ આવે છે. જીવનની વરવી વાસ્તવિકતા એ પણ છે કે, યોગ્ય અભ્સાય, માર્ગદર્શન, આયોજન, અમલ અને અનુભવના અભાવે 100માંથી 90 ટકા લોકો 60-65 વર્ષ પછીની બાકીની જિંદગી પણ પૈસા અને સાંસારિક સંબંધોના સરવાળા-બાદબાકી અને ગુણાકાર-ભાગાકારમાં જ વિતાવી દે છે. જ્યારે કેટલાંક લોકો આર્થિક સદ્ધરતા મેળવ્યા પછી પણ આર્થિક ગુલામીની જંજીરમાં જકડાયેલા રહે છે. સાદી ભાષામાં કહીએ તો સામાન્ય માણસ તમામ પ્રકારની ગુલામી સામે લડી લે છે. પરંતુ સોશિયો-ફાઇનાન્સિયલ ફ્રીડમ ફાઇટ અર્થાત્ સામાજિક-આર્થિક સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ્યે જ જીતી શકે છે.
જિંદગીનો 29 ટકા હિસ્સો માત્ર પૈસા કમાવા પાછળ જ ખર્ચાઇ જાય છે!
સરેરાશ સો વર્ષનું આયુષ્ય ગણીએ તો માણસ 7 વર્ષથી ભણવાની શરૂઆત શેના માટે કરે છે?
સારા નોકરી-ધંધા માટે અને વધુ પૈસા કમાઇ શકે તેના માટે!
7થી 24 વર્ષ સુધી અભ્યાસ. 24થી 60 વર્ષ સુધી નોકરી-ધંધો-વ્યવસાય-સાઇડ ઇન્કમ સહિતના અનેક દાવ-પેચ લડાવીને લક્ષ્મી પ્રાપ્ત કરવાની લડાઇ લડતો રહે છે. સરેરાશ મુજબ 24 વર્ષની વયે કમાણીની શરૂઆત કરતો માણસ 60 વર્ષની વયે નિવૃત્ત થાય તો પણ પૈસા કમાવા માટે 36 વર્ષ ખર્ચી નાંખે છે. દિવસના 12 કલાક મહેનત કરે તો પણ જિંદગીના 18 વર્ષ એટલેકે જિંદગીનો 18 ટકા સમય માત્ર કમાવા પાછળ ખર્ચી નાંખે છે.
સોરી…! ગણતરીમાં કંઇક ભૂલ થતી લાગે છે….!!
હવે તો મા-બાપ નિરાંતે નોકરી-ધંધે જઇ શકે અને બાળક સાચવણીની સાથે સાથે વધુ હોંશિયાર બને તે માટે બે વર્ષનું થાય ત્યારથી પ્લેગ્રૂપ, નર્સરીમાં ગોઠવી દેતાં હોય છે. ટૂંકમાં બાળપણને પણ આડકતરી રીતે કમાણીનું ગ્રહણ લાગી રહ્યું છે. તેથી જો કમાણીની પૂર્વ તૈયારી અને ભણતર માટે ખર્ચેલા 22 વર્ષને પણ ગણતરીમાં લઇએ તો એવું કહેવું પડે કે, સરેરાશ સો વર્ષના આયુષ્યમાંથી માણસ તેની જિંદગીના 58 વર્ષ અને દિવસના 12 કલાક મુજબ 29 વર્ષ એટલેકે જિંદગીનો 29 ટકા હિસ્સો તો માત્ર પૈસા, પૈસા અને પૈસા કમાવાની દોટમાં જ ખર્ચી નાંખે છે!!
100માંથી 90 રોકાણકારો કમાણી સામે વધુ ખર્ચ કરે છે.
કમાણી કેવી રીતે કરવી જોઇએ.
કેટલી કમાણી કરવી જોઇએ.
કેટલા સમયમાં કરી લેવી જોઇએ.
આ ત્રણેય માપદંડ દરેક માટે જુદા જુદા હોઇ શકે છે. પ્રત્યેક વ્યક્તિ કાબેલિયત અનુસાર નોકરી, ધંધો-વ્યવસાય કે ઉદ્યોગ મારફત કમાણીનો માર્ગ અપનાવી તો શકે છે. પરંતુ પરસેવો પાડીને કે કાળા-ધોળા કરીને કમાણી કરવાનું જેટલું સહેલું છે તેનાથી પણ અનેકગણું અઘરુ કમાણીમાંથી સૌપ્રથમ બચત/મૂડીરોકાણ અને પછી જ ખર્ચનું આયોજન કરવાનું હોય છે. 25થી 35 વયજૂથમાં આવતાં મોટાભાગના રોકાણકારો કમાયેલા નાણા કોઇપણ જાતના પૂર્વ આયોજન સિવાય ઈચ્છા મુજબ વાપરી નાખશે અથવા તો આંધળું અનુકરણ કરીને રાતોરાત કરોડપતિ થઇ જવાની લ્હાયમાં આડેધડ મૂડીરોકાણ/ સટ્ટો કરીને મૂડીના ફના-ફાતિયા કરી નાંખે છે. પાછળથી ખેંચ વર્તાય ત્યારે કમ્મરતોડ વ્યાજના વિષચક્રમાં ફસાય છે. એવરેજ રોકાણકારો એવાં જોવા મળશે કે જેઓ જરૂરિયાત નહિં, ઇચ્છા પૂરી કરવા માટે કમાણી કરતાં વધુ ખર્ચ કરે છે. તેઓને ખરેખર એ ખબર નથી હોતી કે ખર્ચ માટે કેટલી મૂડીની આવશ્યકતા છે. ઉદાહરણ તરીકે મહિને રૂ.25 હજારની કમાણી હોય પરંતુ સરવૈયું માંડે તો ખબર પડે કે, માસિક ખર્ચ રૂ.30 હજાર થઇ જાય છે. છતાં કરિયાણું, લાઇટ-ટેલિફોન, ઇસ્ત્રી, છાપા, દૂધ, કેબલ શાકભાજી જેવાં બિલોનો ભરાવો થઇ ગયો હોય! જેના કારણે તેમનો ઇ.પી.એસ. (અર્નિંગ, પ્લાનિંગ અને સેવિંગ/સ્પેન્ડિંગ) ખરડાયેલો જ રહ્યો હોય. આતો વાત કરી માત્ર એકાદ-બે મહિના કે વરસની, પરંતુ જ્યારે આખી જિંદગીનું સરવૈયું માંડે ત્યારે ખબર પડે કે, “ખાયા-પયા કુછ નહિં ગિલાસ તોડા બારઆના” જેવો ઘાટ થયો છે. જેની છેવટે અસર એ જોવા મળે કે ઘરમાં પણ અવાર-નવાર ઇ.પી.એસ. (ઇકોનોમિ, પોલિટિક્સ અને સેન્ટિમેન્ટ)ના હુમલા શરૂ થઇ જાય છે. પરંતુ જો પી અર્થાત્ પ્લાનિંગ પહેલેથી મજબૂત હોય તો તમે કરેલી કમાણીમાંથી પહેલા બચત/મૂડીરોકાણ અને ત્યારબાદ ખર્ચ સુપેરે કરી શકો છો….!!
સરેરાશ વ્યક્તિનો પર્સનલ ફાઇનાન્સિયલ લાઇફ ચાર્ટ
– 00-22 વર્ષ અભ્યાસ. જેમાં કમાણીનું પ્રમાણ શૂન્યથી સાવ નજીવું હોવાથી બચત કરી શકાતી નથી.
– 22-60 વર્ષ કમાણીનો મહત્તમ હિસ્સો લગ્ન, બાળકોના શિક્ષણ-લગ્ન સહિતના ખર્ચ, મકાન પાછળ ખર્ચાઇ જતો હોવાથી પણ બચત થઇ શકતી નથી.
– 60 વર્ષ પછી નિવૃત્તિ ભંડોળ માટેનાં ફંડમાંથી થતી આવકમાંથી જીવનનિર્વાહ. મર્યાદિત મૂડીના કારણે કમાણીથી અડધી આવક અને માંદગી સહિતનો ખર્ચ ખાસ્સો વધી જાય છે. તમને થશે કે, કમાણી અને આવક વચ્ચે શું ફરક છે વળી?! તમે લોહી- પરસેવો એક કરીને પૈસો મેળવો છો એ કમાણી અને અને આ રીતે કમાયેલા પૈસાનું યોગ્ય આયોજન કરીને કરેલા મૂડીરોકાણ ઉપર મળતું રિટર્ન એ આવક છે!
માણસ ચાર પ્રકારે કમાવા માટે પ્રયાસ કરતો હોય છે.
1. ગદ્ધા વૈતરું, 2. મજૂરી, 3. મહેનત અને 4. પુરુષાર્થ આ સબ્જેક્ટ ઉપર આપણે આગળ વાત કરીશું…
ઇન્વેસ્ટમેન્ટ મંત્રઃ
ઇ અર્થાત્ અર્નિંગ/કમાણી
પી અર્થાત્ પ્લાનિંગ/આયોજન
એસ અર્થાત્ સેવિંગ/બચત અને સ્પેન્ડિંગ/ખર્ચ