ઇશ્યૂ ખૂલશે9 મે
ઇશ્યૂ બંધ થશે13 મે
લોટ1000 શેર્સ
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ.131-138
લિસ્ટિંગએનએસઇ ઇમર્જ
ઇશ્યૂ સાઇઝ29.82 લાખ શેર્સ

અમદાવાદ, 6 મેઃ શીટ મેટલ મશીનરીની વિવિધ રેન્જના ડિઝાઇનિંગ અને ઉત્પાદન સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત કંપની એનર્જી મિશન મશીનરીઝ (ઈન્ડિયા) લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી રૂ. 41.15 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇશ્યૂ 9 મેના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 13 મેના રોજ બંધ થશે.

પબ્લિક ઇશ્યૂમાંથી મળનારી આવકનો ઉપયોગ સિવિલ કન્સ્ટ્રક્શન કામો, ગુજરાતમાં સાણંદ ખાતે હાલના ઉત્પાદન એકમમાં પ્લાન્ટ અને મશીનરી માટે, કાર્યશીલ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. ફ્રેશ ઇશ્યૂના આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 29.82 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. પબ્લિક ઇશ્યૂમાં ઇક્વિટી શેરદીઠ રૂ. 131થી રૂ. 138ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે. અરજી માટેની લઘુતમ લોટ સાઇઝ 1,000 શેર્સ છે અને અરજી દીઠ રોકાણનું મૂલ્ય રૂ. 1.38 લાખ છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના મહત્તમ 35 ટકા છે, એચએનઆઈ ક્વોટા મહત્તમ 15 ટકા અને ક્યુઆઈબી પોર્શન નેટ ઓફરના મહત્તમ 50 ટકા રાખવામાં આવ્યો છે. માર્કેટ મેકર પોર્શન 1.50 લાખ ઇક્વિટી શેર્સ રાખવામાં આવ્યો છે.

લિસ્ટિંગઃલીડ મેનેજર્સ
કંપનીના શેર્સ એનએસઇ ઇમર્જ ખાતે લિસ્ટેડ કરાવાશેહેમ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

 રૂ. 41.15 કરોડની ઇશ્યૂમાંથી મળનારી આવકમાંથી કંપની ગુજરાતના અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે આવેલા હાલના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે સિવિલ કન્સ્ટ્રક્શન કામ માટે રૂ. 6.86 કરોડ, નવા પ્લાન્ટ અને મશીનરી માટે રૂ. 7.43 કરોડ, કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે રૂ. 15 કરોડનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

એનર્જી મિશન મશીનરીઝ (ઈન્ડિયા) સીએનસી, એનસી અને કન્વેન્શનલ મેટલ ફોર્મિંગ મશીનો ડિઝાઇન કરે છે અને તેનું ઉત્પાદન કરે છે. એનર્જી મિશન મશીનરીઝ (ઈન્ડિયા) લિમિટેડે ભારતમાં 20થી વધુ રાજ્યોમાં અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગ્રાહકોને  તેની પ્રોડક્ટ્સ વેચેલી છે. આ ઉપરાંત કંપની અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ, રશિયા, નેપાળ, કેન્યા, યુગાન્ડા, યુએઈ, સાઉદી અરેબિયા અને મીડલ ઇસ્ટના અન્ય દેશો સહિત વિશ્વભરમાં તેની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.

કંપનીનું ઉત્પાદન એકમ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે આવેલું છે જે 18,234 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ ઉત્પાદન એકમ ISO 9001:2015 સર્ટિફાઇડ છે અને વાર્ષિક 900 મશીનો બનાવવાની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. કંપનીએ ભારતના 20 રાજ્યોમાં અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની પ્રોડક્ટ્સ વેચેલી છે જેમાં સૌથી વધુ આવક મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાંથી આવે છે.

ડિસેમ્બર 2023માં પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24ના પહેલા નવ મહિના માટે કંપનીએ રૂ. 83.99 કરોડની કન્સોલિડેટેડ કુલ આવક, રૂ. 12.71 કરોડની એબિટા અને રૂ. 6.74 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. નાણાંકીય વર્ષ 2022-23 માટે કંપનીએ રૂ. 100.66 કરોડની કુલ આવક, રૂ. 13.61 કરોડની એબિટા અને રૂ. 7.90 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. 30 ડિસેમ્બર, 2023 સુધીમાં કંપનીની નેટવર્થ રૂ. 39.28 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 21.93 કરોડ નોંધાઈ છે. કંપનીના શેર એનએસઈના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)