લંડન, 27 ફેબ્રુઆરી: ઊર્જા, ધાતુઓ અને ખાણ, માળખાગત સુવિધા અને ટેકનોલોજી ક્ષેત્રોમાં રોકાણ ધરાવતા એસ્સાર ગ્રૂપે નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં યુકેનું અગ્રણી ઊર્જા પરિવર્તન કેન્દ્ર ઊભું કરવા એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન (EET) બનાવવાની જાહેરાત કરી છે. EET આગામી પાંચ વર્ષમાં લૉ કાર્બન ઊર્જા તરફ આગેકૂચ માટે વિવિધ પ્રોજેક્ટ વિકસાવવા માટે કુલ 3.6 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેમાંથી 2.4 અબજ ડોલરનું રોકાણ લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે સ્ટેનલૉમાં એની સાઇટમાં થશે અને ભારતમાં 1.2 અબજ ડોલરનું રોકાણ થશે.

EETમાં સામેલ હશે નીચેની મહત્વની બાબતો…

  • એસ્સાર ઓઇલ યુકે, નોર્થવેસ્ટ ઇંગ્લેન્ડમાં કંપનીનો રિફાઇનિંગ અને માર્કેટિંગ વ્યવસાય;
  • વર્ટેક્સ હાઇડ્રોજન, જે યુકેના બજાર માટે 1 ગિગાવોટ (જીડબલ્યુ) બ્લૂ હાઇડ્રોજન વિકસાવે છે, આગળ જતાં એની ક્ષમતા 3.8 ગિગાવોટ કરશે;
  • EET ફ્યુચર એનર્જી, જે ભારતમાં 1 ગિગાવોટ ગ્રીન એમોનિયા વિકસાવે છે, જેના લક્ષિત બજારો છે – યુકે અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારો;
  • સ્ટેનલૉ ટર્મિનલ્સ લિમિટેડ, જે સંગ્રહને સક્ષમ બનાવે છે અને પાઇપલાઇનની માળખાગત સુવિધા વિકસાવે છે; અને
  • EET જૈવઇંધણો, જે 1 એમટી લૉ કાર્બન જૈવઇંધણોમાં રોકાણ કરે છે.

EET માને છે કે, આ રોકાણ આશરે 3.5 મિલિયન ટન કાર્બન ડાયોકસાઇડના ઘટાડાને ટેકો આપશે, જે નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં કુલ ઔદ્યોગિક ઉત્સર્જનનો આશરે 20 ટકા હિસ્સો ધરાવે છે. યુકેમાં 2.4 અબજ ડોલરના રોકાણ ઉપરાંત EET ભારતમાં લૉ કાર્બન ઇંધણો માટે વાજબી ખર્ચ ધરાવતા વૈશ્વિક પુરવઠા કેન્દ્રને વિકસાવવા 1.2 અબજ ડોલરનું રોકાણ પણ કરશે, જેમાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા સામેલ છે. એમોનિયાની નિકાસ ભારતમાંથી યુકે, યુરોપ અને દુનિયામાં ગ્રીન હાઇડ્રોજન માટે બજારની વધતી માગને પૂર્ણ કરવા માટે થશે તેમ એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઇયાએ કહ્યું હતું.