FII Outflow: વિદેશી રોકાણકારોએ જાન્યુઆરીમાં 35 હજાર કરોડની વેચવાલી નોંધાવી
અમદાવાદ, 30 જાન્યુઆરીઃ વિદેશી રોકાણકારોએ જાન્યુઆરી માસમાં સૌથી વધુ રૂ. 35668.07 કરોડની નેટ વેચવાલી નોંધાવી છે. જે જાન્યુઆરી-23થી અત્યારસુધીની સૌથી વધુ વેચવાલી દર્શાવે છે. જાન્યુઆરીમાં સેન્સેક્સ 0.4 ટકા ઘટ્યો છે. જ્યારે નિફ્ટી 0.05 ટકા વધ્યો છે. અન્ય એશિયન બજારોમાં જાન્યુઆરીમાં હેંગસેંગ 5.8 ટકા, શાંઘાઈ 4.3 ટકા, કોસ્પી 9 ટકા અને જકાર્તા 4.2 ટકા ઘટ્યો છે. બીજી બાજુ ટોપીક્સ ઈન્ડેક્સ 2 ટકા અને નિક્કેઈ 2.6 ટકા સુધર્યો છે.
આ દેશોમાં વિદેશી રોકાણ વધ્યું
એફઆઈઆઈએ ભારતમાંથી 2.62 અબજ ડોલર અને શ્રીલંકામાંથી 60 લાખ ડોલરની વેચવાલી નોંધાવી છે. જ્યારે અન્ય એશિયન દેશોમાં જાપાનમાં સૌથી વધુ 12.28 અબજ ડોલર, દક્ષિણ કોરિયા અને તાઈવાનમાં 2.23 અબજ અને 1.72 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. થાઈલેન્ડમાં 80.34 કરોડ, ઈન્ડોનેશિયા 40.7 કરોડ, મલેશિયા 9.2 કરોડ, ફિલિપિન્સ 8.52 કરોડ અને વિયેતનામ 4.5 કરોડ ડોલરનું વિદેશી રોકાણ નોંધાયુ છે.
વિદેશી રોકાણકારોની વેચવાલી વધવા પાછળનું કારણ
એક્સિસ સિક્યોરિટીઝના વિશ્લેષક રાજેશ પાલવિયાના જણાવ્યા અનુસાર, ભારતીય આઉટફ્લો કોર્પોરેટ અર્નિંગ વિઝા-વિઝ વેલ્યુએશનમાં ઘટાડો થવાને કારણે છે, જેણે રોકાણકારોને સાવચેત કર્યા છે.
ભારતમાં FIIનું વેચાણ ખાસ કરીને HDFC બેન્કના પરિણામોને કારણે થયું હતું. વધુમાં, યુએસ ટ્રેઝરી યીલ્ડમાં થયેલા વધારાએ FIIsને ભારતીય બજારોમાં નફો બુક કરવા પ્રેરિત કર્યા છે. સમગ્ર વિશ્વમાં, મધ્ય પૂર્વની સ્થિતિ અને વૈશ્વિક વૃદ્ધિ અને ફુગાવા પર તેની અસરને કારણે બજારો અસ્થિર છે. 30-31 જાન્યુઆરીએ યુએસ ફેડ ઓપન માર્કેટ કમિટીની બેઠક છે. જેના પર રોકાણકારોની નજર છે.
સેબીના FPI વિશે નવા નિયમોની પણ અસર
ભારતમાં FIIs લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ (MPS) નિયમોમાં ચાલાકી અટકાવવા અને શેલ કંપનીઓ દ્વારા વિદેશી કંપનીઓ દ્વારા ભારતીય કંપનીઓના પરોક્ષ નિયંત્રણને ટાળવાના હેતુથી સેબીની વધારાના નીતિ-ધોરણોનું પાલન કરવાની અસર પણ જોવા મળી છે. જેનાથી સચોટ માહિતી ન ધરાવતા શેલ વિદેશી રોકાણકારો રોકાણ પાછું ખેંચી રહ્યા છે.
FIIs પાસેથી જરૂરી માલિકીની ઝીણવટપૂર્વક વિગતો સેબીના કન્સલ્ટેશન પેપરમાં શરૂઆતમાં પૂછવામાં આવી છે.
2023માં, SEBIએ સંભવિત છેતરપિંડી સામે રોકાણકારોનું રક્ષણ કરવાના ધ્યેય સાથે, એક જ કોર્પોરેટ જૂથમાં તેમની ભારતીય ઇક્વિટી એયુએમ (સંચાલન હેઠળની સંપત્તિ)ના 50 ટકાથી વધુ અથવા ભારતીય બજારોમાં AUMમાં રૂ. 25,000 કરોડથી વધુ હોલ્ડિંગ ધરાવતા FII માટે વધારાના ડિસ્ક્લોઝર જાહેર કરવા ફરજિયાત કર્યા હતા.