મુંબઈ, 1 જુલાઈ: ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC બેંકે  શુક્રવારે ભારતની પ્રમુખ હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિ.નું HDFC બેંકમાં સફળ વિલિનીકરણ થઈ ગયું હોવાની જાહેરાત કરી છે. HDFC બેંક અને HDFC લિ.એ જરૂરી સંમતિઓ અને મંજૂરીઓ પ્રાપ્ત થવાને આધિન 4 એપ્રિલ, 2022ના રોજ વિલિનીકરણ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો તથા વિલિનીકરણની સમગ્ર પ્રક્રિયા પૂરી થવા માટે 15થી 18 મહિનાના સમયગાળાને સૂચવ્યો હતો. બંને કંપનીઓના બૉર્ડે શુક્રવારે યોજાયેલી તેમની સંબંધિત બેઠકોમાં નોંધ્યું હતું કે, આ વિલિનીકરણ 1 જુલાઈ, 2023થી લાગુ થઈ જશે. વિલિનીકરણની યોજના મુજબ HDFC બેંક શૅરના વિનિમય ગુણોત્તર અનુસાર, રેકોર્ડની તારીખ 13 જુલાઈ, 2023 સુધીમાં HDFC લિ.ના શૅરધારકો પાસે રહેલા પ્રત્યેક રૂ. 2/-ના ફેસ વેલ્યૂના સંપૂર્ણપણે પેઇડ-અપ 25 ઇક્વિટી શૅરની સામે પાત્ર શૅરધારકોને પ્રત્યેક રૂ. 1/-ની ફેસ વેલ્યૂના 42 નવા ઇક્વિટી શૅર ઇશ્યૂ કરશે અને ફાળવશે, જેને સંપૂર્ણપણે પેઇડ-અપ તરીકે જમા કરાવી દેવામાં આવશે. વિલિનીકરણની પ્રક્રિયા પૂરી થઈ જવા અંગે વાત કરતાં HDFC બેંકના CEO અને MD શશી જગદીશને જણાવ્યું હતું કે, અમે HDFC લિ.ની ખૂબ જ પ્રતિભાશાળી ટીમનું HDFC બેંક પરિવારમાં ખરાં દિલથી સ્વાગત કરીએ છીએ. આ વિકાસપથ પર આગળ જતાં આવનારા પડકારોને અમે તકોમાં ફેરવી નાંખીશું.

ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિ.નું ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકમાં વિલિનીકરણ થવાથી એક વિશ્વસનીય હૉમ લૉન બ્રાન્ડની ક્ષમતાઓનું ઓછાં ખર્ચે ભંડોળ પૂરી પાડનારી સંસ્થા સાથે સંયોજન થયું છે. મોટી નેટ-વર્થ અર્થતંત્રમાં ક્રેડિટનો વધુ પ્રવાહ પૂરો પાડશે. તેનાથી આંતરમાળખાં માટેની લૉન સહિત મોટી ટિકિટની લૉનનું અંડરરાઇટિંગ કરવાનું પણ શક્ય બનશે તથા તે રાષ્ટ્રનિર્માણ અને રોજગારીનું સર્જન કરવામાં પણ યોગદાન આપશે. વિલિનીકરણ બાદ HDFC બેંકની મહત્ત્વની સહાયક કંપનીઓમાં HDFC સિક્યુરિટીઝ લિ., એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિ., HDFC એસેટ મેનેજમેન્ટ કું. લિ., HDFC અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કું. લિ., HDFC કેપિટલ એડવાઇઝર્સ લિ. અને HDFC લાઇફ ઇન્શ્યોરન્સ કું.લિ.નો સમાવેશ થાય છે.