હૈદરાબાદની મહિલા AI છેતરપિંડીનો શિકાર બની, ભત્રીજાના અવાજમાં 1.4 લાખ રૂપિયા પડાવ્યા
અમદાવાદ, 18 નવેમ્બરઃ હૈદરાબાદમાં 59 વર્ષની એક મહિલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) છેતરપિંડીનો શિકાર બની છે. કૌંભાંડીઓએ AI દ્વારા નકલી અવાજની મદદથી મહિલા પાસેથી રૂ.1.4 લાખ પડાવ્યા છે. ફોન કરનારનો અવાજ બિલકુલ કેનેડામાં રહેતા તેના ભત્રીજા જેવો હતો, જેણે મહિલાને પોતે મુશ્કેલીમાં છે અને તેને તાત્કાલિક પૈસાની જરૂર છે.
મહિલાએ કહ્યું કે તેને મોડી રાત્રે ફોન આવ્યો હતો અને તે વ્યક્તિએ તેને કહ્યું હતું કે તેનો અકસ્માત થયો છે અને પોલિસ તેને જેલમાં લઈ જઈ રહી છે, પુરુષે મહિલાને પૈસા ટ્રાન્સફર કરવા અને તેમની વાતચીત વિશે અન્ય લોકોને ન કહેવા વિનંતી કરી હતી. મહિલાએ કહ્યું કે, “તે બિલકુલ મારા ભત્રીજા જેવો જ અવાજ હતો અને અમે ઘરે જે પંજાબીમાં વાતો કરીએ છીએ અસલ તેવા જ લહેકામાં તે વાત કરી રહ્યો હતો. તેણે મને મોડી રાત્રે ફોન કર્યો અને કહ્યું કે તેનો અકસ્માત થયો છે અને જેલમાં જઈ રહ્યો છું તેણે મને પૈસા ટ્રાન્સફર કરવા અને વાતચીત ગુપ્ત રાખવા વિનંતી કરી હતી.
મહિલાએ તે વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા, પરંતુ બાદમાં તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. હૈદરાબાદ પોલીસના વરિષ્ઠ પોલીસ અધિકારી કેવીએમ પ્રસાદે જણાવ્યું હતું કે, “એઆઈ વૉઇસ ફ્રોડ નાની સંખ્યામાં થઈ રહ્યા છે. પરંતુ ગંભીર હોવાથી લોકોએ બે વાર તપાસ કરવી જોઈએ અને કોઈ પણ પૈસા ટ્રાન્સફર કરતા પહેલા સંપૂર્ણ ચકાસણી કરવી.”
સાયબર નિષ્ણાતોએ જણાવ્યું કે કેનેડા અને ઈઝરાયેલ જેવા દેશોમાં રહેતા પરિવારના સભ્યોને તાજેતરમાં AI વોઈસ સ્કેમ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે.
રશ્મિકા મંદાના પણ એઆઈ ફ્રોડનો શિકાર બની હતી
થોડા સમય પહેલાં જ સોશિયલ મીડિયા પર અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીપ ફેક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં એઆઈની મદદથી રશ્મિકાના ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ પણ ગઈકાલે જ ડિપ ફેક વિશે વાત કરી તે સંદર્ભે જાગૃત્તિ લાવવા અપીલ કરી હતી. મોદીએ કહ્યું કે, તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયો છે, જેમાં તેઓ પોતે ગીતો ગાઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પત્રકારોને લોકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ‘ડીપ ફેક’ વિશે શિક્ષિત કરવા અપીલ કરી હતી.
શું છે ડીપ ફેક?
ડીપ ફેક અર્થાત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી વ્યક્તિનો ચહેરો, અવાજ, હાવભાવ, વાત કરવાનો લહેકો વગેરે બાબતોનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કરી તેનો બનાવટી વીડિયો કે ઓડિયો બનાવી ફ્રોડ કરવામાં આવી રહ્યું છે.
આઈડી વેરિફિકેશન યુનિકોર્ન ઓનફિડોના રિપોર્ટ મુજબ, ડીપ ફેક ફ્રોડની સંખ્યા 2023માં 31 ગણી વધી છે. ડીપ ફેક ફ્રોડનુ પ્રમાણ વાર્ષિક ધોરણે 3000 ટકા વધ્યું છે.