ઇન્ડીજીન લિમિટેડએ સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદઃ ગ્લોબલ લાઇફ સાયન્સિસ ઉદ્યોગ પર સંપૂર્ણપણે કેન્દ્રિત ડિજિટલ-ફર્સ્ટ કમર્શિયલાઇઝેશન કંપની ઇન્ડીજીનએ બજાર નિયમનકાર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. કંપનીના આઇપીઓમાં ₹9,500 મિલિયન સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો દ્વારા 36.3 મિલયિન ઇક્વિટી શેર માટે વેચાણની ઓફર સામેલ છે.

કંપનીની કામગીરી અને સ્થાપના તથા પ્રમોટર્સ વિગત

ઇન્ડીજીનની સ્થાપના વર્ષ 1998માં પાંચ, પ્રથમ-પેઢીના ઉદ્યોગસાહસિકો – મનિષ ગુપ્તા (આઇઆઇટી-બીએચયુ, આઇઆઇએમ અમદાવાદ), ડો. સંજય પરીખ (આઇઆઇટી મુંબઈ, જોહન હોપકિન્સ), ડો. રાજેશ નાયર (આઇઆઇએમ અમદાવાદ), ગૌરવ કપૂર (ઇએનપીસી પેરિસ) અને આનંદ કિરન (બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને બી કે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, અમદાવાદ)એ કરી હતી. કંપની એવા સોલ્યુશન્સ ઓફર કરે છે, જે બાયોફાર્માસ્યુટિકલ, વિકસતી બાયોટેક અને મેડિકલ ડિવાઇઝ કંપનીઓને ઉત્પાદનો વિકસાવવા, બજારમાં તેને લોંચ કરવા અને તેમના જીવનચક્રમાં વેચાણ કરવા સક્ષમ બનાવે છે.

કંપનીના ક્લાયન્ટ્સમાં 19 આંતરરાષ્ટ્રીય કંપનીઓ, ઉત્કૃષ્ટ કામગીરી

30 જૂન, 2022 સુધી ઇન્ડીજીન 52 સક્રિય ક્લાન્ટ ધરાવતી હતી. કંપનીના ક્લાયન્ટમાં 20 મોટી આંતરાષ્ટ્રીય બાયોફાર્માસ્યુટિકલ કંપનીઓમાંથી 19 સામેલ છે. ઇન્ડીજીન એની 66 ટકા આવક ઉત્તર અમેરિકામાંથી, 27 ટકા યુરોપમાંથી અને 7 ટકા બાકી દુનિયામાંથી મેળવે છે. કંપની છ કાર્યકારી કેન્દ્રોમાંથી ઉત્કૃષ્ટતાને વેગ આપે છે અને 16 ઓફિસ ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયામાં સ્થિત છે. ઇન્ડીજીને નાણાકીય વર્ષ 2021-22માં કામગીરીમાંથી ₹1,665 કરોડની આવક કરી હતી, જેમાં નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2021-22 સુધી 61 ટકા સીએજીઆર પર વૃદ્ધિ થઈ છે. કંપનીએ 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી ₹521 કરોડની આવક કરી હતી. નાણાકીય વર્ષ 2021-22માં કંપનીનો કરવેરાની ચુકવણી પછીનો નફો ₹163 કરોડ હતો, જેમાં નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2021-22 સુધી 81 ટકા સીએજીઆર પર વૃદ્ધિ થઈ છે. 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો કરવેરાની ચુકવણી પછીનો નફો ₹ 86 કરોડ હતો.