Inox Green Energy gets Sebi’s go ahead to launch Rs 740-cr IPO
Inox Green Energyના Rs. 750 કરોડના IPOને સેબીની મંજૂરી
- કંપની ઓક્ટોબર અંત સુધીમાં IPO લાવે તેવી શક્યતા
અમદાવાદ: આઇનોક્સ વિન્ડની પેટા કંપની આઇનોક્સ ગ્રીન એનર્જીના અંદાજે રૂ. 750 કરોડના IPOને સેબીની મંજૂરી મળી ગઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. IPO ઓક્ટોબર અંત કે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાવાની શક્યતા કંપનીના સીઈઓ કૈલાશ તારાચંદાનીએ આપી હતી. સેબી સમક્ષ દાખલ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ અનુસાર, કંપની IPO અંતર્ગત રૂ. 370 કરોડ ફ્રેશ ઈશ્યૂ મારફત અને રૂ. 370 કરોડની ઓફર ફોર સેલ મારફત કુલ રૂ. 750 કરોડ એકત્ર કરવા માગે છે. આઇનોક્સ વિન્ડ આઇનોક્સ ગ્રીનમાં 93.84 ટકા ઈક્વિટી હિસ્સો ધરાવે છે. કંપનીએ જૂનમાં રૂ.740 કરોડના IPO માટે ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો.
કંપનીની કામગીરી વિશે માહિતી
કંપની વિદેશી બજાર તરફ ફોકસ વધારી બિઝનેસ વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. આઇનોક્સ ગ્રીન એનર્જી વાર્ષિક ધોરણે 30થી 40 ટકાના દરે ગ્રોથ કરી રહી છે. જેના વોલ્યૂમ આગામી 3-4 વર્ષમાં 500 કરોડ સુધી પહોંચવાનો આશાવાદ છે. જે હાલ 150-160 કરોડ છે.
42 IPO મંજૂરી માટે કતારમાં
સેબી સમક્ષ હાલ 42 કંપનીઓના IPO મંજૂરી માટે રાહ જોઈ રહ્યા છે. જેમાંથી ઘણા IPO માટે માર્કેટ રેગ્યુલેટરે સ્પષ્ટતા મગાવી છે. સેકેન્ડરી માર્કેટમાં સુધારાનો માહોલ IPO માર્કેટ માટે આશાનું કિરણ બની શકે છે. કારણકે, 20થી વધુ IPOએ સેબીની મંજૂરી મેળવી લીધી છે. પરંતુ તેઓ યોગ્ય માર્કેટની રાહ જોઈ રહ્યા છે.
બુધવારે હર્ષા એન્જિનિયર્સના IPOનું શેર એલોટમેન્ટ
હર્ષા એન્જિનિયર્સના IPOના ગ્રે પ્રિમિયમ સતત વધી રહ્યા છે. આજે 234 ગ્રે પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. આવતીકાલે હર્ષા એન્જિનિયર્સ IPOના શેર એલોટ કરશે. જેનું લિસ્ટિંગ 26 સપ્ટેમ્બરે થશે. લિસ્ટિંગ 70 ટકા પ્રિમિયમે થવાની વકી છે.