અમદાવાદ, 10 મેઃ JSW ગ્રૂપની JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરએ રૂ. 2800 કરોડના આઇપીઓ માટે સેબી (SEBI)  સમક્ષ ડીઆરએચપી (DRHP)  ફાઇલ કર્યું છે. પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) રૂટ દ્વારા રૂ. 2,800 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.  JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરે IPO રૂટ દ્વારા રૂ. 2,800 કરોડ સુધી એકત્ર કરવા માટે 9 મે, 2023ના રોજ સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું છે. જો કે, JSW ગ્રુપના પ્રવક્તાએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

કંપની આઈપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ દેવાની ચૂકવણી કરવા તેમજ ઉત્પાદન ક્ષમતા માટે વિસ્તરણ પ્રોજેક્ટ્સને ફંડિંગ કરવા કરશે. આ સાથે જેએસડબ્લ્યૂ ગ્રૂપની આ ત્રીજી કંપની શેરબજાર ખાતે લિસ્ટિંગ કરાવશે. હાલ ગ્રૂપની JSW એનર્જી અને JSW સ્ટીલ લિસ્ટેડ છે. પ્રમોટરો આઈપીઓ હેઠળ તેમનો વર્તમાન હિસ્સો ઘટાડશે નહીં અને જેએમ ફાઇનાન્શિયલ આ પબ્લિક ઇશ્યૂના મુખ્ય બેન્કર છે.

JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસે ડ્રાય બલ્ક, બ્રેક બલ્ક, લિક્વિડ બલ્ક, ગેસ અને કન્ટેનર સહિત મલ્ટિ-કોમોડિટી કાર્ગો માટે વાર્ષિક 153.43 મિલિયન ટન (MTPA) કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા છે. 31 ડિસેમ્બર, 2022 સુધીમાં, JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ. 2,875 કરોડનું ચોખ્ખું દેવું હતું. કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર 2022-23માં રૂ. 447.2 કરોડનો ચોખ્ખો નફો (PAT) અને રૂ. 1,268.6 કરોડની EBITDA નોંધાવી હતી. આ ઉપરાંત, સજ્જન જિંદાલની માલિકીની JSW ગ્રુપ સિમેન્ટ, પેઇન્ટ, વેન્ચર કેપિટલ અને સ્પોર્ટ્સમાં પણ કાર્યરત છે.