લિસ્ટિંગ પછી પ્રથમ વખત LICના શેરમાં રેકોર્ડ 10 ટકાનો ઉછાળો, જો કે હજી 44 ટકા ઘટાડે ટ્રેડેડ
અમદાવાદ, 24 નવેમ્બરઃ દેશનો સૌથી મોટો આઈપીઓ લાવનારી લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના શેર લિસ્ટિંગ બાદ પ્રથમ વખત ઈન્ટ્રા ડે 10% ઉછળ્યા છે. બીએસઈ ખાતે એલઆઈસીનો શેર આજે 9.69 ટકા ઉછાળે 677.65 પર બંધ રહ્યો હતો. જો કે, તે હજી ઈશ્યૂ પ્રાઈસ સામે 44 ટકા ઘટાડો દર્શાવે છે.
કંપનીના નવા બિઝનેસ પ્રીમિયમ (NBP) ગ્રોથને વેગ આપવા માટે આગામી મહિનામાં 3-4 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની કંપનીની યોજનાથી રોકાણકારો પ્રોત્સાહિત જણાય છે. તેની 20-દિવસના સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમના 20 ગણા પર ટ્રેડિંગ સાથે LICના શેર રૂ. 680ની બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા અને તેના 50 અને 100-DMA લેવલ ક્રોસ કરી ચૂક્યા છે.
અન્ય બે PSU વીમા શેરોમાં પણ આવી જ ખરીદી જોવા મળી હતી. જ્યારે જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેરમાં 18%નો ઉછાળો આવ્યો હતો, ત્યારે ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીના શેર 20% અપર સર્કિટ સાથે બંધ રહ્યા હતા.
LICના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું હતું કે સરકારી વીમા કંપની ગયા વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં ડબલ ડિજિટ વૃદ્ધિનો અંદાજ લગાવી રહી છે. એલઆઈસી કેટલીક નવી આકર્ષક પ્રોડક્ટ્સ લોન્ચ કરીને આ ધ્યેય હાંસલ કરવાનો ઇરાદો ધરાવે છે, મોહંતીએ કહ્યું કે એલઆઈસી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં એક પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહી છે, તેણે આશા વ્યક્ત કરી કે તે બજારમાં ઘણું આકર્ષણ ઉભું કરશે. આ ઉપરાંત લોનની સુવિધા અને સમય પહેલા ઉપાડ પણ નવી પ્રોડક્ટની વિશેષતા હશે.
છેલ્લા 12 મહિનામાં, નિફ્ટીના 8% રિટર્ન સામે એલઆઈસીનો શેર 3 ટકા વધ્યો છે. તેણે અગાઉના વર્ષની સરખામણીમાં 9% કરતાં વધુના ભાવ ઘટાડા સાથે વધુ ખરાબ પ્રદર્શન કર્યું છે.
એલઆઈસીના આઈપીઓએ ગતવર્ષે લિસ્ટિંગ કરાવ્યા બાદથી અત્યારસુધીમાં તેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 949 સામે વધી શક્યો નથી. જેની રેકોર્ડ ટોચ 920 છે.