સેલ ઇન મે એન્ડ ગો અવે થિયરી સચોટ પૂરવાર થવાના વાગી રહેલા ભણકારા

મે મહિનાની શરૂઆત SGXની નબળી થઈ હતી. જો કે, તે દિવસે નીચા સ્તરે કેટલીક ખરીદી જોઈ હતી જેણે નિફ્ટીમાં મોટા ભાગના નુકસાનને 17000ની ઉપર બંધ કરવામાં મદદ કરી હતી. બુધવારે નિફ્ટીએ 17100 પોઇન્ટની આસપાસ સુસ્ત ટોન સાથે શરૂઆત કરી હતી. જોકે, પાછળથી આરબીઆઈ દ્વારા આશ્ચર્યજનક રીતે રેપોરેટમાં વધારો કરાતાં ભારતીય શેરબજારોમાં નિરાશા ફેલાઇ હતી. જેના કારણે એક તબક્કે નિફ્ટીએ 16800- 16400 પોઇન્ટના મહત્વના સપોર્ટ લેવલ્સ પણ ગુમાવ્યા હતા. ગુરુવારે જ્યારે બજાર શરૂ થયું ત્યારે એવું લાગ્યું કે હેવી સેલિંગ એ ઇવેન્ટ બેઝ્ડ પ્રેશર હતું. પરંતુ શુક્રવારે મોટાભાગની સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદરમાં વધારો આપવા સાથે વૈશ્વિક શેરબજારોમાં પણ સેલિંગ પ્રેશર સર્જાતાં ભારતીય શેરબજારોએ કવર કરેલી રિકવરી પણ ગુમાવી છે. પરંતુ આશા એક વાતની એ છે કે, નિફ્ટીએ 16400 પોઇન્ટના મહત્વના સપોર્ટ લેવલ ઉપર બંધ આપ્યું છે. વિતેલું સપ્તાહ છેલ્લા ત્રણ મહિનાના સૌથી ખરાબ સપ્તાહો પૈકીનું એક હતું. જેમાં નિફ્ટીએ 4 ટકા ઉપરાંતનું કરેક્શન આપ્યું છે. મોટેભાગે વૈશ્વિક પરિબળો આવા નોંધપાત્ર વેચાણને ટ્રિગર કરે છે પરંતુ આ પ્રસંગે તે સ્થાનિક વિકાસને કારણે શરૂ કરવામાં આવ્યું હતું અને પછી ઘામાં મીઠું નાખવા માટે વૈશ્વિક સંકેતોએ સુધારાત્મક પગલાને વેગ આપ્યો હતો. નિફ્ટીમાં 16500 પોઇન્ટની નીચે જવાની અપેક્ષા નહોતી. પરંતુ વર્લ્ડ માર્કેટ્સની ખરાબી જોતાં નિફ્ટી માટે ડેઇલી ચાર્ટ ફ્રેમ ઉપર નજર કરીએ તો જણાય છે કે, 16200- 16000 પોઇન્ટ નજીક  ‘પેનન્ટ’ પેટર્ન ટાર્ગેટ કહી શકાય. આગામી સપ્તાહે કેટલાક રિવર્સલની રાહ જોવી રહી. ઉપરમાં નિફ્ટી 16500 અને ત્યારબાદ 16700 સુધી જઇ શકે પરંતુ તે મહત્વની પ્રતિકારક સપાટીઓ ગણાવી શકાય.