ગુજરાત 2030માં 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે

અમદાવાદ : 6 ઓકટોબર: દેશને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં ગુજરાત મુખ્ય ભૂમિકા ભજવવા માટે કટિબદ્ધ છે અને ગુજરાત 2030 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે. FICCIની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક (NECM)ને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ભારતના ભૌગોલિક વિસ્તારના 6 ટકા હિસ્સો ધરાવે છે પરંતુ જીડીપીમાં 8 ટકા યોગદાન આપે છે. આ સાથે જ ગુજરાત રાજ્ય ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકા અને નિકાસનો 30 ટકા હિસ્સો ધરાવે છે. બે દાયકામાં રાજ્યનો GSDP રૂ. 1.27 લાખ કરોડથી વધીને રૂ. 16.19 લાખ કરોડ થયો છે.

FICCI ના પ્રમુખ અને ઇન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોય્સ લિમિટેડ (IMFA) ના મેનેજિંગ ડિરેક્ટર સુભ્રકાંત પાંડા એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 100+ ફોર્ચ્યુન 500 કંપનીઓ અને 13 લાખ MSME  સ્થાપિત છે અને છેલ્લા બે દાયકામાં 15 ટકાના CAGRથી વૃદ્ધિ પામી છે. તે ભારતની નિકાસમાં એક તૃતીયાંશ યોગદાન આપે છે, RE ક્ષમતાના 15.5 ટકા હિસ્સો ધરાવે છે અને મોટા રાજ્યોમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવે છે.

બે દાયકામાં રાજ્યનો GSDP રૂ.1.27 લાખ કરોડથી વધી રૂ.16.19 લાખ કરોડ

FICCIના વીપી (ઉપ-પ્રમુખ) ઇમામી લિમિટેડના VC અને MD હર્ષવર્ધન અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યની નવી રિન્યુએબલ એનર્જી પોલિસી અને ઉત્પાદન ક્ષેત્રે પર્યાવરણને અનુકૂળ તેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે.

FICCI ગુજરાત રાજ્ય પરિષદના અધ્યક્ષ અને હેસ્ટર બાયોસાયન્સિસના CEO અને MD રાજીવ ગાંધીએ જણાવ્યું હતું કે, FICCI પરિવર્તનને સહકાર આપવામાં અને આપણા રાષ્ટ્રની વૃદ્ધિ અને સમૃદ્ધિને અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપવામાં હંમેશા આગળ પડતું રહ્યું છે.

FICCIના સેક્રેટરી જનરલ એસ.કે. પાઠકે જણાવ્યું હતું કે, $5 ટ્રિલિયન અર્થતંત્રના વિઝનને સાકાર કરવામાં ભારતભરના રાજ્યો મહત્વની ભૂમિકા ભજવશે. આ કારણે જ દેશભરમાં વિવિધ સ્થળોએ અમારી રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકો થઈ રહી છે.

અદાણી પોર્ટ્સના CEO શ્રી સુબ્રત ત્રિપાઠીએ ભારતના દરિયાઈ વેપારમાં કચ્છની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે જિલ્લો દેશના કાર્ગોમાં 26 ટકા હિસ્સો ધરાવે છે.