લોંગ-શોર્ટ ઇક્વિટી (હેજ) ફંડની AUM વધી 20000 કરોડ : ITI
રોકાણ પરિવર્તન : એચએનઆઈ રોકાણકારોનું લોંગ-શોર્ટ ઇક્વિટી ફંડમાં વધતું રોકાણ
અમદાવાદ: આર્થિક સંકટ છતાં દેશભરમાંથી રોકાણકારો રોકાણ પ્રત્યે વધુ સજાગ બન્યા છે. ક્યાં સેગમેન્ટમાં રોકાણ કરવાથી સલામત ઉપરાંત ઉત્તમ રિટર્ન મળી રહે તે તરફ વધુ ભાર આપી રહ્યાં છે જેના ભાગરૂપે એચએનઆઇ રોકાણકારો એક કરોડથી વધુ રોકાણ પર સ્થિર વળતર મેળવવાને આગ્રહી હોય છે. હાઇ નેટવર્થ ઇન્વેસ્ટર્સમાં લોંગ-શોર્ટ ઇક્વિટી ફંડ ઝડપથી લોકપ્રીય થઈ રહ્યું છે. દેશમાં આવા ફંડને 14 વર્ષ પહેલાં રજૂ કરનાર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર અને સીઆઇઓ રાજેશ ભાટીયાના જણાવ્યા પ્રમાણે મોટા રોકાણકારો વર્ષે સ્થિર વળતર મેળવવા ઇચ્છે છે તેઓ સેબીના નિયમ હેઠળ આવતા કેટેગરી ત્રણના આવા ઓલટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડને વધુ પંસદ કરી રહ્યા છે. આવા ફંડ ઇક્વિટી તેમજ ડેટ્ની સાથે ડેરિવેટિવ્ઝ સાધનમાં રોકાણ કરીને લાંબાથી ટૂંકા ગાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રોકાણ લાભ ઊઠાવતા હોવાથી વર્ષે 12-14 ટકા સુધીનું રોકાણ મેળવી શકે છે. મજબૂત એસેટ એલોકેશનને કારણે બજારમાં વધી રહેલી ચંચળતા સામે પણ આવા ફંડ સુરક્ષા આપે છે.
વિશ્વમાં હેજ ફંડો 4 ટ્રીલિયન ડોલરની એયુએમ ધરાવે છે તેની સામે ભારતમાં લગભગ 15 ફંડો યોજના છે અને તેનું એયુએમ રૂ.20,000 કરોડ જેવું રહ્યું છે. આગામી ત્રણ વર્ષમાં ભારતમાં એયુએમ એક લાખ કરોડે પહોંચી જવાનો અંદાજ હોવાનો નિર્દેશ કર્યો છે. ભારતમાં એચએનઆઈની સંખ્યામાં વૃદ્ધિથી આવા ફંડો પ્રત્યે રોકાણકારોમાં જાગૃતતા વધી રહી છે. દેશના મોટા શહેરોના મોટા સેલિબ્રિટી ઉપરાંત બિઝનેસ હાઉસો દ્વારા લોંગ-શોર્ટ ઇક્વિટી ફંડમાં રોકાણ કરાય છે. હાલ અમારી યોજનામાં 285 ઇન્વેસ્ટર્સ છે, જેઓનું એવરેજ રોકાણ રૂ.3 કરોડનું છે.
ફંડમાં રોકાણ કરવાનો ત્રણ લાભ છે તેમ કંપનીના પ્રેસિડન્ટ અને ચીફ બિઝનેસ ઓફિસર અજય વાસવાણીએ જણાવ્યું કે ફંડમાં રોકાણ નરમાઇમાં ઇન્વેસ્ટમેન્ટને સુરક્ષીત કરે છે, તેજીમાં ઇક્વિટીમાં રોકાણનો લાભ આપે છે અને લાંબા ગાળે માર્કેટ કરતાં સરેરાશ વધુ વળતર આપે છે. ટૂંકા ગાળાની જ વાત કરીયે તો કોરોના અને યુક્રેન યુદ્ધના ગાળામાં બજારમાં મોટા ઘટાડા સમયે ફંડની કામગીરીમાં સાધારણ ઘટાડો થયો હતો.
ગુજરાતના ગિફ્ટમાં ઓફશોર ફંડ રજૂ કરવાની તૈયારીમાં
ભારતની કંપનીઓના ગ્રોથ અને ભાવિ આર્થિક વિકાસની સ્ટોરીમાં વિદેશી રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે તે હેતૂસર આઇટીઆઈ દ્વારા લોંગ-શોર્ટ ઇક્વિટી ઓફશોર ફંડ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. કંપની ગિફ્ટ સીટીમાં ફંડની કામગીરી હાથ ધરશે. આગામી સપ્ટેમ્બર પહેલાં ફંડને લોન્ચ કરાશે અને અંદાજે 3 અબજ ડોલર સુધીનું કોરપસ ઊભું કરવાની યોજના છે. આ ફંડ અમેરિકા, યુરોપ, ગલ્ફ સ્થિત રોકાણકારોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરાશે.