ઓઇલ કંપનીઓને 19 હજાર કરોડનું જંગી નુકસાન
- આઈઓસી, બીપીસીએલ સહિત ઓઈલ કંપનીને બેરલદીઠ પેટ્રોલમાં 25 ડોલર, ડિઝલમાં 23 ડોલરની ખોટ
- યુધ્ધ ઇફેક્ટ: ક્રૂડના ભાવોમાં વૃદ્ધિ સામે પેટ્રોલ-ડિઝલની કિંમતો ચૂંટણીના કારણે સ્થિર રહ્યા બાદ વધી રહી છે
વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવોમાં વધારો થયો હોવા છતાં દેશમાં નવેમ્બરથી માર્ચ સુધી પેટ્રોલ-ડિઝલના ભાવોમાં કોઈ ફેરફાર ન થતાં દેશની ટોચની ઓઈલ રિટેલર્સ આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલની આવકોમાં રૂ. 19 હજાર કરોડનું નુકસાન થયું છે. મૂડીઝની ઈન્વેસ્ટર સર્વિસ દ્વારા જારી રિપોર્ટ અનુસાર, 4 નવેમ્બરથી 21 માર્ચ દરમિયાન બ્રેન્ટ ક્રૂડના ભાવો નવેમ્બરમાં બેરલદીઠ 82 ડોલરથી વધી 121 ડોલર થયા હોવા છતાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. પરિણામે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને વર્તમાન બજાર કિંમતોના આધારે બેરલદીઠ પેટ્રોલમાં રૂ. 1832(25 ડોલર) અને ડીઝલમાં રૂ. 1909(24 ડોલર) નુકસાન થયું છે. બે દિવસ પહેલાં જ પેટ્રોલમાં 23 પૈસા અને ડિઝલમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ભારતીય કંપનીઓ રશિયાની સાખલિન-1 ઓઈલ-ગેસ ફિલ્ડમાં 16 અબજ ડોલરનું રોકાણ ધરાવે છે. મોટાભાગની ભારતીય કંપનીઓની રશિયન ઈન્વેસ્ટમેન્ટમાંથી થતી ડિવિન્ડની આવકો તેની કોન્સોલિડેટેડ ઈબિડિટાના 5-6 ટકા છે. આઈઓસી-બીપીસીએલની કુલ એસેટસમાંથી રશિયન એસેટ્સનો હિસ્સો 5 ટકાથી ઓછો છે. જ્યારે ઓએનજીસીનો એસેટ્સ હિસ્સો 12 ટકા અને ઉત્પાદન હિસ્સો 20 ટકા છે. જેની ઈબિડિટાના 11 ટકા આવકો રશિયન એસેટ્સમાંથી થાય છે. જિયો-પોલિટિકલ ક્રાઈસિસની અસર ઓએનજીસીની ક્રેડિટ પ્રોફાઈલ પર થશે.
ક્રૂડ એવરેજ 111ની રેન્જમાં રહ્યું તો રોજની 534 કરોડની ખોટ
જો ક્રૂડ ઓઈલની કિંમત એવરેજ 111ની રેન્જમાં રહી તો ત્રણેય કંપનીઓને પેટ્રોલ-ડિઝલના વેચાણ પર રોજની રૂ. 534 કરોડ (65-70 મિલિયન ડોલર)ની ખોટ થવાની શક્યતા છે. નવેમ્બરથી માર્ચના પ્રથમ ત્રણ સપ્તાહ દરમિયાન સરેરાશ વેચાણોમાં 2.25 અબજ ડોલર (રૂ. 19 હજાર કરોડ)નું નુકસાન ત્રણેય કંપનીઓની ગત નાણાકીય વર્ષની ઈબિડિટાના 20 ટકા જેટલું છે.
કંપનીઓને કેટલુ નુકસાન
કંપની નુકસાન
આઈઓસી 1-1.1 અબજ ડોલર
બીપીસીએલ 550-650 મિલિયન ડોલર
એચપીસીએલ 550-650 મિલિયન ડોલર
શોર્ટ ટર્મ દેવુ વધશે, કાર્યકારી મૂડી પર બોજો વધશે
પાંચ રાજ્યોમાં ચૂંટણીના પગલે પેટ્રોલ-ડિઝલના ભાવોમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. જેથી કંપનીઓની આવકોમાં ઘટાડાથી શોર્ટ ટર્મ દેવામાં વધારો થશે. તેમજ કાર્યકારી મૂડી પર બોજો વધશે. જ્યારે પણ ઈંધણના ભાવો અનિયંત્રિત રહે છે ત્યારે રિફાઈનર્સ ઉત્પાદન ખર્ચનો બોજો ગ્રાહકો પર નાખે છે. કંપનીઓએ સરકાર સાથે મળી ભાવમાં જોવા મળતી અફરાતફરી પર ચોક્કસ નિયમ ઘડવો જોઈએ. એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી શકે છે.
રશિયા પર પ્રતિબંધોથી નુકસાન વધશે
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવતાં ભારતીય ઓઈલ એન્ડ ગેસ કંપનીઓનુ નુકસાન વધશે. રશિયાના ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઓએનજીસી, આઈઓસી, બીપીસીએલ, ઓઈલ ઈન્ડિયા જેવી કંપનીઓ મોટાપાયે રોકાણ ધરાવે છે. આયાત પર પ્રતિબંધ મૂકાયો તો આ રોકાણ પર થતો ફ્યુચર કેશ ફ્લો ઘટશે. અને ખોટમાં વધારો થશે. બીપી અને શેલ જેવી મલ્ટીનેશનલ કંપનીઓએ રશિયા સાથેના વ્યવહારો બંધ કરવાની જાહેરાત કરી છે. જો કે, ભારતીય કંપનીઓએ રશિયામાંથી એક્ઝિટની કોઈ જાહેરાત કરી નથી.