ટોરેન્ટ ગ્રુપના આદ્યસ્થાપક સ્વ. યુ.એન. મહેતાની જન્મશતાબ્દીની ઉજવણી કરવામાં આવી
મહેતા પરિવાર આગામી 5 વર્ષમાં વિશિષ્ટ સામાજિક કર્યો માટે રૂ. 5,000 કરોડ યુ.એન.એમ.ફાઉન્ડેશનને આપશે
1 એપ્રિલ, અમદાવાદ: “નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન,” એવા જીવન સૂત્ર સાથે શ્રી ઉત્તમભાઈ એન. મહેતા (14મી જાન્યુઆરી, 1924 – 31મી માર્ચ, 1998) એક પ્રેરણારૂપ જીવન જીવી ગયા. ટોરેન્ટ ગ્રુપ દ્વારા શનિવાર, 30 માર્ચ, 2024 ના રોજ અમદાવાદ ખાતે તેમની જન્મશતાબ્દીની ઉજવણી રૂપે એક સમારંભ રાખવામાં આવ્યો હતો. જન્મશતાબ્દીની ઉજવણીની મુખ્ય અંશોની ઝાંખી કરીએ તો, શ્રી યુ.એન. મહેતાના જીવન પર બનેલી દસ્તાવેજી ફિલ્મ “ધ પ્રિસ્ક્રિપ્શન”નું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું તેમજ તેમના પરોપકારી વારસાને આગળ ધપાવવા માટે સખાવતી દાનની જાહેરાત કરવામાં આવી છે. 1લી એપ્રિલ 2024 થી શરૂ કરીને, આગામી 5 વર્ષ દરમિયાન મહેતા પરિવાર દ્વારા UNM ફાઉન્ડેશનને રૂ5,000 કરોડનું દાન કરવામાં આવશે. આ યોગદાન ટોરેન્ટ ગ્રૂપની કંપનીઓના વૈધાનિક CSR યોગદાન ઉપરાંત હશે.
ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સમીર મહેતાએ જણાવ્યું હતું કે, યુએનએમ ફાઉન્ડેશન આ રકમનો વિશિષ્ટ સામાજિક હેતુઓ માટે નિષ્ઠા પૂર્વક સદુપયોગ કરવા માટે પ્રયત્નશીલ રહેશે. UNM ફાઉન્ડેશન પોતાના પ્રયાસો ને આરોગ્ય સંભાળ, શિક્ષણ અને જ્ઞાન વૃદ્ધિ, ઇકોલોજી, સામાજિક સુખાકારી, કલા અને સંસ્કૃતિ અને અન્ય પ્રવૃત્તિઓના ક્ષેત્રો પર કેન્દ્રિત કરશે જેનો મૂળભૂત હેતુ વંચિતોને લાભ આપવાનો રહેશે.
જીવનની પ્રતિકૂળતાઓનો મક્કમતાથી સામનો કરવા માટે તેમજ વ્યાપારિક કુશળતા, સિદ્ધાંતવાદી જીવન અને માનવતાવાદી પરોપકાર માટે ટોરેન્ટ ગ્રૂપના સ્થાપક ઉત્તમભાઈ નાથાલાલ મહેતા (યુ.એન. મહેતા)ને સદાય યાદ કરવામાં આવે છે. તેમનું પ્રારંભિક જીવન બહુવિધ વ્યક્તિગત પડકારો, ગંભીર નાણાકીય કટોકટી, વ્યવસાયિક નિષ્ફળતાઓ અને ગંભીર આરોગ્યની મુશ્કેલીઓથી ઘેરાયેલું રહ્યું હતું. 48 વર્ષની પીઢ ઉંમરે ફાર્માસ્યુટિકલ બિઝનેસ સ્થાપવાના બીજા પ્રયાસમાં તેઓ સફળ થયા – આમ એક અત્યંત સફળ બિઝનેસની સ્થાપના કરી. તેમના પ્રારંભિક પ્રયાસો માનસિક અને કાર્ડિયાક બિમારીઓ માટે દવાઓ બનાવવા પર કેન્દ્રિત રહ્યા હતા. જેના માટે ભારતમાં દવાઓ સરળતાથી ઉપલબ્ધ ન હતી. એક અત્યંત સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત, યુ.એન. મહેતા એક પ્રતિબદ્ધ સામાજિક નાગરિક પણ હતા. તેમના જીવનના ઉત્તરાર્ધમાં, તેમણે UNM ફાઉન્ડેશનની શરૂઆત કરી અને બહુવિધ સામાજિક કર્યો માટેના પ્રયાસો આદર્યા.
યુ.એન. મહેતા: સંક્ષિપ્ત પરિચય
ઉત્તમભાઈ નાથાલાલ મહેતા (યુ.એન. મહેતા)ને તેમના મજબૂત સંકલ્પ, સિદ્ધાંતવાદી જીવન અને માનવતાવાદી સખાવતો માટે યાદ કરવામાં આવે છે. તેમનો જન્મ 14મી જાન્યુઆરી, 1924 ના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મેમદપુર ગામમાં થયો હતો. ભારતીય ઉદ્યોગના આ એ દિગ્ગજ હતા જેમણે એવા સમયે દવાઓના સ્વદેશી ઉત્પાદનમાં પહેલ કરી હતી જ્યારે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર આયાત કરાયેલ દવાઓ પર નિર્ભર હતું – ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ની દવાઓ માટે. આ વર્ષ 2024 આ વિરલ વ્યક્તિની જન્મશતાબ્દી વર્ષ છે. તેમણે પોતાના સ્વપ્નદ્રષ્ટા અભિગમ, અડગ ઉદ્યોગસાહસિક્તા, ઉત્સાહ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા સાથે ટોરેન્ટ ના ફાર્માસ્યુટિકલ વ્યવસાયનો પાયો નાખ્યો.
પ્રારંભિક જીવનઃ ઉત્તમભાઈએ પાલનપુરમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, મુંબઈની વિલ્સન કોલેજમાંથી રસાયણશાસ્ત્ર સાથે સ્નાતકની ડીગ્રી મેળવી. ઉચ્ચ અભ્યાસનું આકર્ષણ હોવા છતાં, પરિવારની આર્થિક સંકડામણના કારણે ઉત્તમભાઈને અભ્યાસ છોડીને નોકરીમાં જોડાવાની ફરજ પડી હતી. સરકારી સેવામાં ટૂંકા કાર્યકાળ પછી આંતરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરી. આ નોકરી છોડીને વર્ષ 1959 માં તેમણે અમદાવાદમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદન શરૂ કરીને ઉદ્યોગસાહસિક્તાનું એક હિંમતભર્યું પગલું ભર્યું.
ઉદ્યોગસાહસિકઃ સફળતા સરળ ન હતી. લગભગ દોઢ દાયકા સુધી, તેમણે નિષ્ફળતાઓનો સામનો કર્યો જેમાં તેમના વ્યવસાયના પ્રથમ પ્રયાસમાં તો વ્યવસાય બંધ કરવા સહિતના આંચકાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમણે ક્યારેય પોતાના મક્કમ મનોબળને તૂટવા દીધું ન હતું. તેમણે ફાર્માસ્યુટિકલ બજારની નસને પારખવામાં અને તેમાં રહેલી મર્યાદાઓને ઓળખી કાઢી હતી. જેને કારણે તેમણે ખાસ રોગના બજાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું જયારે અન્ય કંપનીઓ સામાન્ય બીમારીની દવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. આ પહેલના ફળ મળવાનું શરૂ થયું અને ટૂંક સમયમાં યુ.એન. મહેતાએ સ્કિઝોફ્રેનિયાના દર્દીઓ માટે એક સીમાચિહ્નનરૂપ દવા રજૂ કરી જેનાથી તેમના માટે સફળતાના દરવાજા ખુલી ગયા.
માનવતાવાદી અભિગમઃ ટોરેન્ટ ગ્રૂપની સખાવતોનો પાયો શ્રી યુ.એન. મહેતાના પોતાના શબ્દોમાં વર્ણવી શકાય: “જ્યારે તમે તમારા વિશે વિચારો છો ત્યારે અન્ય લોકોનો પણ વિચાર કરો.”યુ.એન. મહેતાની આ ફિલસૂફી સાથે, નોટ-ફોર-પ્રોફિટ સંસ્થા – UNM ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. આ ફાઉન્ડેશન ટોરેન્ટ ગ્રૂપની સામાજિક અને સખાવતી પ્રવૃત્તિઓ જેવી કે કોમ્યુનિટી હેલ્થકેર, શિક્ષણ, ઇકોલોજી, સામાજિક સુખાકારી અને કલા અને સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)