Q3 RESULTS: INFYનો નફો 13 ટકા વધી રૂ. 6586 કરોડ, અંદાજ કરતાં સારો દેખાવ

અમદાવાદઃ TCSના પરીણામો માર્કેટ નિષ્ણાતોની અપેક્ષાથી ભલે ઊણાં ઉતર્યા હોય પરંતુ ઇન્ફોસિસ ઉર્ફે ઇન્ફીએ ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો વિવિધ બ્રોકરેજ હાઉસે વ્યક્ત કરેલા અંદાજો કરતાં વધ્યો છે. ચોખ્ખો નફો આગલાં વર્ષના તેટલાંજ ગાળાની સરખામણીમાં 13 ટકા વધી રૂ. 6586 કરોડ (રૂ. 5809 કરોડ) થયો છે. કોન્સોલિડેટેડ ધોરણે પરીણામો અનુસાર કંપનીની આવકો 20.2 ટકા વધી રૂ. 38318 કરોડ (રૂ. 31867 કરોડ) થઇ છે. વિવિધ બ્રોકરેજ હાઉસિસના અંદાજો અનુસાર કંપનીની આવકો 18 ટકા અને નફો 10.5 ટકા વધવાનો અંદાજ હતો. પરીણામ પૂર્વે બીએસઈ ખાતે INFOSYSનો શેર આજે 0.62 ટકા વધી 1480.55 પર બંધ રહ્યો હતો.
મોટાભાગના બિઝનેસ સેગમેન્ટમાં ડબલ ડિજિટ ગ્રોથ
કંપનીની કુલ આવકોમાં ડિજિટલ રેવન્યુનો હિસ્સો 62.9 ટકા રહ્યો છે. કંપનીએ મોટાભાગના બિઝનેસ સેગમેન્ટમાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવ્યો છે. INFOSYSએ છેલ્લા 8 ત્રિમાસિકમાં કુલ 3.3 અબજ ડોલરના કોન્ટ્રાક્ટ મેળવ્યા હતા. જો કે, ઓપરેટિંગ માર્જિન 23.5 ટકા સામે ઘટી 21.5 ટકા નોંધાયુ હતું.
INFOSYSના ક્યૂ-3 પરિણામ એક નજરે (આંકડા કરોડ રૂ.માં)
વિગત | ડિસેમ્બર-22 | ડિસેમ્બર-21 |
કુલ આવકો | 39087 | 32379 |
ચોખ્ખો નફો | 6586 | 6026 |
ઈપીએસ (રૂ.) | 15.72 | 13.86 |
માર્કેટ શેરમાં સતત વધારા માટે કંપની સતત પ્રયત્નશીલ
ડિસેમ્બર ક્વાર્ટરમાં અમારો રેવન્યુ ગ્રોથ મજબૂત હતો, જેમાં ડિજિટલ બિઝનેસ અને કોર સર્વિસ બંનેમાં વૃદ્ધિ થઈ હતી, મોટા ઓર્ડર્સ અને અમે અમારા ગ્રાહકો માટે વિશ્વસનીય પરિવર્તન અને ઓપરેશનલ પાર્ટનર તરીકે માર્કેટ શેર મેળવવાનું ચાલુ રાખીએ છીએ. – સલીલ પારેખ, સીઇઓ, એમડી, ઇન્ફોસિસ
નોકરી છોડી જનારાઓનો રેટ ઘટી 24.3 ટકા
કંપની દ્વારા આઈટી સર્વિસિઝમાંથી નોકરી છૂટવાનો દર 24.3 ટકા નોંધાયો હતો. જે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 27.1 ટકા સામે 2.8 ટકા ઘટ્યો હતો. જૂનમાં એટ્રિશન રેટ 28.4 ટકા હતો. કંપનીએ ત્રીજા ત્રિમાસિકમાં 1627 કર્મચારીઓની ભરતી કરી હતી. ક્લાયન્ટ્સ પણ ગત વર્ષે 111 સામે આ વર્ષે વધી 134 થયા છે. ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર નીલંજન રોયે જણાવ્યું હતું કે ખર્ચ ઑપ્ટિમાઇઝેશન લાભોને કારણે ત્રીજા ક્વાર્ટરમાં ઑપરેટિંગ માર્જિન ફ્લેક્સીબલ રહ્યું છે, જે ઓપરેશનલ પરિમાણોમાં સિઝનલ નબળાઇની અસર જોવા મળી છે.