રિલાયન્સ જિયો અને GSMA દ્વારા રાષ્ટ્રવ્યાપી ડિજિટલ સ્કિલ પ્રોગ્રામ
મુંબઈ: ભારતમાં મહિલાઓ મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં પુરુષો કરતાં 41% ઓછી શક્યતા ધરાવે છે. ભારતમાં 248 મિલિયન પુરુષોની સરખામણીમાં કુલ 330 મિલિયન મહિલાઓ હજુ પણ મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરતી નથી. તેને ધ્યાનમાં રાખતાં રિલાયન્સ જિયો અને GSM એસોસીએશન (GSMA) GSMA સંલગ્ન વ્યાપક વિમેન કમિટમેન્ટ ઇનિશિયેટિવ હેઠળની સંયુક્ત પહેલ અંતર્ગત ડિજિટલ સ્કિલ પ્રોગ્રામના રાષ્ટ્રીય સ્તરે પ્રારંભની જાહેરાત કરી છે. આ કાર્યક્રમનો હેતુ ગ્રામીણ મહિલાઓ અને સીમાંત/ઓછી આવક ધરાવતા સમૂહોની વ્યક્તિઓને ડિજિટલ સેવાઓનો અર્થપૂર્ણ ઉપયોગ કરવામાં મદદ કરવા માટે જરૂરિયાત આધારિત તાલીમ આપવાનો છે. GSMAના મોબાઈલ જેન્ડર ગેપ રિપોર્ટ 2022 મુજબ સાક્ષરતા અને ડિજિટલ કૌશલ્યોનો અભાવ એ મોબાઈલ ઈન્ટરનેટ ઉપયોગ માટેના ટોચના નોંધાયેલા અવરોધોમાંનો એક છે.
આ પ્રોગ્રામના એક ભાગરૂપે GSMA અને જિયોની ટીમો દ્વારા વ્યાપક ફિલ્ડ રિસર્ચ અને યુઝર ફિડબેક બાદ ટૂલકીટ ડિઝાઇન કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાંથી 1,000થી વધુ ગ્રામીણ મહિલાઓ અને પુરુષોએ તેમાં ભાગ લીધો હતો અને ટ્રાયલના તબક્કા દરમિયાન ડિજિટલ તાલીમ ટૂલકિટમાં ફેરફારો કરવા માટે તેમના અભિપ્રાયો આપ્યા હતા.
અત્યારે રાષ્ટ્રીય સ્તરે 10 રાજ્યોમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રિલાયન્સ જિયોના ડિરેક્ટર કુ. ઈશા અંબાણીએ જણાવ્યું કે, મોબાઇલ ટેક્નોલોજી મહિલાઓને સશક્ત બનાવવાની ક્ષમતા ધરાવે છે, તેમને વધુ કનેક્ટેડ, સ્વતંત્ર અને સુરક્ષિત અનુભવ પૂરો પાડે છે અને તેમને તેમના રોજિંદા જીવનમાં મદદરૂપ થતી મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે.
આ કાર્યક્રમ અંગે ટિપ્પણી કરતાં GSMAના ડિરેક્ટર જનરલ મેટ્સ ગ્રેનરીડે કહ્યું કે, મોબાઇલ ટેક્નોલોજીમાં મહિલાઓના માનવ અધિકારોનું રક્ષણ કરવા અને તેમના આર્થિક, સામાજિક અને રાજકીય સશક્તિકરણ અને વિકાસને મજબૂત કરવા માટે સકારાત્મક યોગદાન આપવાની ક્ષમતા છે. પરંતુ મહિલાઓ વધુ ને વધુ કનેક્ટેડ દુનિયામાં પાછળ ન રહી જાય તેની ખાતરી કરવા માટે વધુ કામ કરવાની જરૂર છે.