સેબીએ શેર બાયબેકના ધોરણોમાં ફેરફાર કર્યા, શેરબજારો રડાર હેઠળ
અમદાવાદઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ લિસ્ટેડ કંપનીઓ માટેના વર્તમાન શેર બાયબેકના ધોરણોમાં ફેરફાર કર્યા છે. શેરબજારની પારદર્શિતા અને વિશ્વસનીયતા વધારવા માટે શેર બાયબેકની જાહેરાતના નિયમોને કડક બનાવ્યા છે. મૂડી બજાર નિયમનકાર સેબીએ મંગળવારે તેની સુનિશ્ચિત બોર્ડ મીટિંગ બાદ જાહેરાત કરી હતી કે, સ્ટૉક એક્સચેન્જ રૂટ દ્વારા બાયબેક ધીમે ધીમે તબક્કાવાર થશે. સ્ટોક એક્સચેન્જીસ પર બાયબેક પ્રક્રિયા અલગ વિન્ડો પર હાથ ધરવાની રહેશે. બાયબેકની લઘુત્તમ મર્યાદા 50 ટકાથી વધારી 75 ટકા કરી છે. સેબીએ શેર બાયબેક પ્રક્રિયા યોજવાના દિવસોમાં પણ ઘટાડો કર્યો છે. હવે 90 દિવસના બદલે 66 દિવસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
આ ફેરફારો એચડીએફસી લિમિટેડના વાઇસ ચેરમેન કેકી મિસ્ત્રીની અધ્યક્ષતામાં આ વર્ષની શરૂઆતમાં રચાયેલી પેનલ દ્વારા ભલામણોના ભાગરૂપે કરવામાં આવ્યા છે. પેનલે બાયબેક માટે મહત્તમ મર્યાદામાં ઘટાડો કરવાની પણ ભલામણ કરી હતી. તેમજ ઓપન માર્કેટમાં બાયબેકની આવકનો ઉપયોગ વર્તમાન 50 ટકાથી વધીને 75 ટકા કર્યો છે. નિયમનકારે માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ (MII)ને અલગ વર્ટિકલ્સ બનાવવા માટે નિર્દેશ કર્યો છે જે બિઝનેસના વિકાસ અને જોખમ સંચાલનને અલગ કરશે. આ ત્રણ વર્ટિકલ્સનું નિર્માણ નિર્ણાયક કામગીરી, નિયમનકારી, અનુપાલન અને અન્ય ફંકશન્સ વચ્ચે અંતર જાળવી રાખશે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ તેના ટોચના મેનેજમેન્ટની ગેરવર્તણૂક અને ચિત્રા રામકૃષ્ણનના કાળમાં એનએસઈના સંચાલનમાં ગંભીર ક્ષતિઓનું પુનવરાવર્તન ન થાય તે હેતુ સાથે સ્ટોક એક્સચેન્જો માટેના ધોરણોને કડક બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. કોલોકેશન કૌભાંડ કે જેના હેઠળ એવું જાણવા મળ્યું હતું કે પસંદગીના દલાલોએ વિન્ડફોલ પ્રોફિટનો લાભ લેવા માટે અંદરના લોકો સાથે મિલીભગત કરી ગવર્નન્સનું ઉલ્લંઘન કરતાં હતાં. સેબીએ બાયબેક પર જારી કરેલા કન્સલન્ટેશન પેપર અનુસાર સેબી આગામી સમયમાં આ નિર્ણયો લઈ શકે છે. જેમાં 2025થી ઓપન માર્કેટ બાયબેક બંધ થઈ શકે છે. તેમજ દેવામુક્ત કંપનીઓ 1 વર્ષમાં ટેન્ડર રૂટથી 2 બાયબેક લાવી શકે છે. પરંતુ બંને બાયબેક વચ્ચે ઓછામાં ઓછું 6 મહિનાનું અંતર હોવુ જરૂરી છે.