સેન્સેક્સઃ વર્ષની બોટમથી 9.35% સુધર્યો, ઓલટાઇમ હાઇથી 5563 છેટો
- સેન્સેક્સમાં તા. 17 જૂન-22ના રોજ નોંધાવેલી 50921.22 પોઇન્ટની વર્ષી નીચી સપાટીથી 4761 પોઇન્ટ/ 9.35 ટકાનો સુધારો
- 19 ઓક્ટોબર-21એ 62245.43ની સર્વોચ્ચ સપાટીથી હજી સેન્સેક્સમાં 5663 પોઇન્ટ/ 10.60 ટકાનું કરેક્શન ધરાવે છે
- ઓક્ટોબર-21થી સતત વેચવાલ બનેલી વિદેશી નાણાકીય સંસ્થાઓ છેલ્લા 3 દિવસથી નેટ બાયરની પોઝિશનમાં આવી છે
સળંગ પાંચમાં દિવસે પણ સુધારાની ચાલ જાળવી રાખવા સાથે સેન્સેક્સે ગુરુવારે 284 પોઇન્ટના સુધારા સાથે 55682 પોઇન્ટની સપાટી નોંધાવી છે. તેની સાથે સાથે નિફ્ટી-50એ પણ 84.40 પોઇન્ટના સુધારા સાથે 16605.25 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. મહત્વની વાત એ છે કે, નિફ્ટીએ બીજા દિવસે પણ 16500 પોઇન્ટની અતિ મહત્વની ટેકાની અને સાયકોલોજિકલ સપાટી જાળવી રાખવા ઉપરાંત 16600 પોઇન્ટનું પ્રતિકારક પણ ક્રોસ કર્યું છે. પાંચ દિવસમાં આશરે 2000+ પોઇન્ટના સુધારા સાથે સેન્સેક્સે તા. 17 જૂન-22ના રોજ નોંધાવેલી 50921.22 પોઇન્ટની વર્ષી નીચી સપાટીથી 4761 પોઇન્ટ એટલેકે 9.35 ટકાનો સુધારો નોંધાવ્યો છે. જોકે, તા. 19 ઓક્ટોબર-21ના રોજ નોંધાવેલી 62245.43 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી હજી સેન્સેક્સ 5663 પોઇન્ટ એટલેકે 10.60 ટકાનું કરેક્શન દર્શાવે છે. નિફ્ટીએ પણ તા. 17 જૂનની 15191 પોઇન્ટની બોટમથી 16600 પોઇન્ટની સફર નોંધાવીને રોકાણકારોના વિશ્વાસમાં વધારો કર્યો છે. આ બુલ રનમાં મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડાઇસિસે પણ 14 ટકાનો સુધારો નોંધાવીને સૂર પૂરાવ્યો છે. તે ઉપરાંત એફએમસીજી, પાવર, રિયાલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, બેન્કિંગ, ઓટો સહિતના સેક્ટરોલ્સમાં પણ 10 ટકા આસપાસ સુધારો તો નોંધાયો છે.
ઇન્ટરનેશનલ ક્રૂડમાં ઉછાળો, ડોલર સામે રૂપિયાનો રકાસ, યુક્રેન રશિયા વોરની સ્થિતિ, ઇન્ટરનેશનલ લેવલે મોટાભાગની સેન્ટ્રલ બેન્ક્સ દ્રારા વ્યાજદરોમાં વધારો સહિત સંખ્યાબંધ નકારાત્મક પરીબળો રહેવા છતાં માર્કેટમાં જોવા મળેલો સુધારો તેજીની નવી શરૂઆત હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
Month | Open | High | Low | Close |
Jun 22 | 55,588.27 | 56,432.65 | 50,921.22 (17 JUNE) | 53,018.94 |
Jul 22 | 52,863.34 | 55,738.49 | 52,094.25 | 55,681.95 |
મેઘમણી ફાઇનકેમનો ચોખ્ખો નફો ત્રણ ગણો ઉછળ્યો
અમદાવાદ: મેઘમણી ફાઇનકેમ લિમિટેડનો વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો લગભગ ત્રણ ગણો ઉછળીને રૂ. 108 કરોડ થયો છે. ગત વર્ષે સમાન સમયગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 37 કરોડ હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીની કામગીરીમાંથી કુલ આવક 84 ટકા વધીને રૂ. 533 કરોડ નોંધાઇ છે, જે ગત વર્ષે સમાન સમયગાળામાં રૂ. 290 કરોડ હતી. મેઘમણિ ફાઇનકેમ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૌલિક પટેલે કહ્યું હતું કે, અમે પ્રથમ ક્વાર્ટરમાં રેકોર્ડ ઓપરેટિંગ અને ફાઇનાન્સિયલ પર્ફોર્મન્સ ડિલિવર કર્યું છે. તમામ પ્રોડક્ટ્સ માટે ઉચ્ચ કાર્યક્ષમતા અને ક્ષમતાના ઉપયોગને કારણે સારી આવક અને વોલ્યુમમાં વૃદ્ધિને પરિણામે અમે વૃદ્ધિ સાધી છે. તેમણે ઉમેર્યું હતું કે, કંપનીએ ગ્લિસરોલ પ્રોસેસ આધારિત ભારતનો પ્રથમ એપિક્લોરોહાઇડ્રિન (ઇસીએચ) પ્લાન્ટ કાર્યરત કર્યો છે અને તેણે આંતરિક વપરાશ માટે 18.34 મેગાવોટ વિન્ડ-સોલર હાઇબ્રિટ પાવર પ્લાન્ટની સ્થાપના માટે સંયુક્ત સાહસ પણ રચ્યું છે. જુલાઇમાં કંપનીએ ભારતનો સૌથી મોટો સીપીવીસી રેઝિન પ્લાન્ટ પણ કાર્યરત કર્યો છે.