અમદાવાદ, 26 ઓક્ટોબરઃ શેરબજારમાં મંદીએ જોર પકડ્યુ છે. આજે સેન્સેક્સ વધુ 929.85 પોઈન્ટ તૂટી 63119.21ના માસિક તળિયે પહોંચ્યો હતો. પરિણામે રોકાણકારોએ 3.5 લાખ કરોડની મૂડી બજારો ખૂલતાંના 15 મિનિટમાં જ ગુમાવી હતી. 12.17 વાગ્યા સુધીમાં 5 લાખ કરોડ ધોવાયા છે.

ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ, અમેરિકાના મજબૂત રેસિડેન્શિયલ ડેટા અને વ્યાજદરોમાં વૃદ્ધિની શક્યતાઓના પગલે ડોલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરી યીલ્ડ દાયકાઓની ટોચે પહોંચતા વિદેશી રોકાણકારો સ્થાનિક બજારમાંથી મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે. જેના લીધે સેન્સેક્સ ઓક્ટોબર માસમાં ગઈકાલના બંધ સામે 2600 પોઈન્ટ તૂટ્યો છે. રોકાણકારોએ 9.8 લાખ કરોડની મૂડી ગુમાવી છે.

સ્થાનિક સ્તરે ભારતીય અર્થતંત્ર મજબૂત વેગ સાથે આગળ વધી રહ્યું છે. રૂપિયો પણ ડોલરના વધતા સ્તર સામે મજબૂત લડત આપી રહ્યો છે. બીજા ત્રિમાસિકના પરિણામો પણ વિશ્લેષકોના અંદાજ અનુસાર પોઝિટીવ જોવા મળી રહ્યા છે. તેમ છતાં માર્કેટમાં ઘટાડા પાછળના કારણો કેન્દ્ર સરકારની આગામી વર્ષે યોજાનારી ચૂંટણી, પાંચ રાજ્યોની ચૂંટણીના ફંડિંગ માટે પ્રોફિટ બુકિંગ, વિદેશી રોકાણકારોની વેચવાલી અને જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, ક્રૂડના વધતા ભાવો, અમેરિકી યીલ્ડમાં વૃદ્ધિ છે.

આઈટી-બેન્કિંગ સેક્ટરમાં એફઆઈઆઈ આઉટફ્લોનું પ્રેશર વધ્યું છે. FII એ ઓક્ટોબરમાં અત્યારસુધી 17396 કરોડનું ફંડ પાછું ખેંચ્યું છે. નિફ્ટીએ આજે તેની અતિ મહત્વની 19000 ટેકાની સપાટી ગુમાવી છે. જે આગળ મંદીના માહોલ વચ્ચે ઘટી 18500 થવાની શક્યતા નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. રિટેલ રોકાણકારોએ હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જોઈએ. હાઈ રિસ્ક ઈન્વેસ્ટર્સ માટે નીચા ભાવે શેર ખરીદવાની તક મળી શકે છે.