દિવાળીના મુહુર્તમાં 524 પ્લસ રહેલા સેન્સેક્સમાં ખાડાના દિવસે 288નો ખાડો
અમદાવાદઃ સોમવારે વિક્રમ સંવત 2079ના પ્રથમ દિવસના મુહુર્તના સોદા દરમિયાન સેન્સેક્સ 524 પોઇન્ટના આકર્ષક ઉછાળો નોંધાવવામાં સફળ રહ્યો હતો. પરંતુ મંગળવારે ખાડો (પડતર દિવસ) હોવાથી ચાલુ રહેલા ટ્રેડિંગમાં સેન્સેક્સ 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીને હાઉકલી કરીને છેલ્લે 287.70 પોઇન્ટના ખાડામાં (ઘટાડા સાથે) બંધ રહ્યો હતો. સવારે 60003 પોઇન્ટની સપાટીએ ખુલી શરૂઆતી સુધારામાં 60081 પોઇન્ટ થયા બાદ જોકે સુધારો જાળવવામાં નિષ્ફળ રહેવા સાથે ઇન્ટ્રા-ડે 59489 પોઇન્ટ થઇ છેલ્લે 59544 પોઇન્ટની સપાટીએ 287.70 પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તેજ રીતે નિફ્ટી-50 પણ 74.40 પોઇન્ટના ઘટાડા સાથે 17665.35 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
સેક્ટર સ્પેસિફિક દેખાવઃ
સેક્ટોરલ્સ પૈકી એફએમસીજી, ફાઇનાન્સ, ટેલિકોમ અને રિયાલ્ટી સેક્ટર્સમાં ઘટાડાની જ્યારે ઓટો અને કેપિટલ ગુડ્સ શેર્સમાં સુધારાની ચાલ રહી હતી.
માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ
વિગત | કુલ ટ્રેડેડ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3529 | 1364 | 2067 |
સેન્સેક્સ | 30 | 10 | 20 |
મુહુર્તના સોદાઓની શરૂઆત પણ એફઆઇઆઇએ વેચીને કરી
વિદેશી સંસ્થાઓએ મુહુર્તના સોદાની શરૂઆત પણ વેચવાલીથી જ કરી હતી. સોમવારે 153.89 કરોડ અને મંગળવારે રૂ. 247.01 કરોડની નેટ વેચવાલી નોંધાવી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ સોમવારે રૂ. 80.12 કરોડ અને મંગળવારે 872.88 કરોડની નેટ ખરીદી નોંધાવી હતી.
સેન્સેક્સની બે દિવસની ચાલ એક નજરે
તારીખ | ખુલી | વધી | ઘટી | બંધ | તફાવત |
24-10-22મુહુર્ત | 59804 | 59994 | 59777 | 59831 | +524 |
25-10-22 | 60003 | 60081 | 59489 | 59544 | -287.70 |
નિફ્ટીમાં બેરિશ બેલ્ટ હોલ્ડ પેટર્નઃ થોભો અને રાહ જુઓઃ બુધવારે બજારો સત્તાવાર રીતે બંધ રહેશે. ગુરુવારે ખુલશે. તે જોતાં માર્કેટ વેકેશન મોડમાં છે. ટેકનિકલી નિફ્ટીએ બેરિશ બેલ્ટ હોલ્ડ પેટર્ન દર્શાવી છે. જેમાં ખુલતી સપાટી જ હાઇ સપાટી નોંધાવી છે. અને દિવસ દરમિયાન ઘટાડો નોંધાવ્યો છે. તે જોતાં 17400- 17650 પોઇન્ટની સપાટી સપોર્ટ રહેવા સામે 17900- 18000 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી જોવા મળી રહી છે. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે માર્કેટ ટ્રેન્ડ સેટ થાય ત્યાં સુધી રાહ જોવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.
ડીસીએક્સ સિસ્ટમ્સમાં ગ્રે માર્કેટમાં 20 ટકા બિન સત્તાવાર પ્રિમિયમ
તા. 31 ઓક્ટોબરથી તા. 2 નવેમ્બર દરમિયાન શેરદીઠ રૂ. 1970- 200ની પ્રાઇસબેન્ડ સાથે ખુલી રહેલા ડીસીએક્સ સિસ્ટમ્સના આઇપીઓમાં બિનસત્તાવાર પ્રિમિયમ પ્રાઇસ બેન્ડથી 20 ટકા ઊપર ચાલી રહ્યું હોવાનું પ્રાઇમરી માર્કેટ પંડિતો દર્શાવી રહ્યા છે. સામાન્ય રીતે ઇશ્યૂમાં લાગે તો ભજીયું ખાઇને વેચી દેવાની સ્ટ્રેટેજી ધરાવતા ટ્રેડર્સ ટાઇપ ઇન્વેસ્ટર્સ ગ્રે માર્કેટ પ્રિમિયમ ઉપર વોચ રાખીને એપ્લિકેશન કરતાં હોય છે.