અમદાવાદ, 4 જાન્યુઆરીઃ દેશની ટોચની પાવર કંપનીઓમાં સામેલ ટોરેન્ટ પાવરે (Torrent Power) રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન અને વીજ વિત્તરણમાં રૂ. 47350 કરોડના રોકાણની યોજના જારી કરતાં આજે શેરમાં બુમ તેજી જોવા મળી હતી. બીએસઈ ખાતે ટોરેન્ટ પાવર (Torrent Power Share Price) 13.57 ટકા ઉછાળા સાથે 1071.60ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. જે 12.55 વાગ્યે 8.82 ટકા સુધારા સાથે 1027.35 પર કારોબાર થઈ રહ્યો હતો. આ સાથે ટોરેન્ટ પાવર આજે ટોપ ગેઈનરની યાદીમાં સામેલ થયો છે.

ટોરેન્ટ ગ્રુપની સંકલિત પાવર યુટિલિટી ટોરેન્ટ પાવર લિમિટેડે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ હેઠળ ગુજરાત સરકાર સાથે ચાર નોન-બાઈન્ડિંગ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા  હોવાની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં ટોરેન્ટ પાવર અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ચાર એમઓયુ દ્વારા, ટોરેન્ટ પાવરે રૂ. 47,350 કરોડ (અંદાજે USD 5.70 બિલિયન)ના કુલ રોકાણનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂચિત રોકાણો રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને પાવર ડિસ્ટ્રિબ્યુશનના ક્ષેત્રોમાં કરવાની યોજના છે અને તે રાજ્યના વિકાસમાં અને મોટા પાયે રોજગારીની તકોના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપશે તેવી અપેક્ષા છે.

ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સમીર મહેતાએ જણાવ્યું હતું કે, “ટોરેન્ટ પાવર રિન્યુએબલ જનરેશન, પંપ સ્ટોરેજ હાઇડ્રો પ્રોજેક્ટ્સ, ગ્રીન હાઇડ્રોજન/ગ્રીન એમોનિયા ઉત્પાદન અને પાવર ડિસ્ટ્રિબ્યુશનની મુખ્ય રાષ્ટ્રીય પ્રાથમિકતાઓમાં તેના ભાવિ રોકાણોનો નોંધપાત્ર હિસ્સો બનાવવા માંગે છે.”

ચાર એમઓયુ પૈકીના એકમાં બનાસકાંઠા, જામનગર, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થપાયેલા 3,450 મેગાવોટના સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ અને 1,045 મેગાવોટના હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે જેમાં રૂ. 30,650 કરોડનું સૂચિત રોકાણ સામેલ છે.

બીજા એમઓયુમાં બનાસકાંઠા જિલ્લામાં સ્થાપવામાં આવનાર 7,000-મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ માટે સોલાર પાર્કના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં રૂ. 4,500 કરોડનું રોકાણ સામેલ છે. ત્રીજો એમઓયુ રૂ. 7,200 કરોડના કુલ સૂચિત રોકાણ સાથે બનાસકાંઠા/દહેજમાં 100 KTPAની ક્ષમતા સાથે ગ્રીન હાઇડ્રોજન/ગ્રીન એમોનિયા ઉત્પાદન સુવિધા સ્થાપવા માટેનો છે. અને ચોથો એમઓયુ અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ SEZ અને માંડલ બેચરાજી SIR (MBSIR) શહેરોમાં ટોરેન્ટ પાવરના વિતરણ વ્યવસાયમાં રૂ. 5,000 કરોડના રોકાણને લગતો છે.

ટોરેન્ટ પાવરનો શેર છેલ્લા એક વર્ષમાં બમણાથી વધુ ઉછળ્યો છે. જે 30 જાન્યુઆરી, 2023ના રોજ 430.90ની વાર્ષિક બોટમ બાદથી સતત વધ્યો છે. ઓક્ટોબરમાં 726.45ના સ્તરે બંધ આપ્યા બાદથી ટોરેન્ટ પાવરના શેરએ રોકાણકારોને ડિસેમ્બર અંત સુધીમાં 28.53 ટકા રિટર્ન આપ્યું છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)