અમદાવાદ, 7 નવેમ્બરઃ વિશ્વની ટોચની અને પ્રથમ ઈલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરર ટેસ્લાને ભારતમાં લાવવા કેન્દ્ર સરકાર તમામ બનતાં પ્રયાસો પર ભાર મૂકી રહી છે. જાન્યુઆરી, 2024 સુધીમાં એલન મસ્કની ટેસ્લાને ભારતમાં પ્રવેશ આપવા ટોચના અધિકારીઓ બેઠક યોજી ચર્ચાવિચારણા કરી રહ્યા છે. જેના માટે સોમવારે પીએમઓ ખાતે બેઠક યોજાઈ હતી.

એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, “જો કે મીટિંગનો એજન્ડા સામાન્ય નીતિ વિષયક બાબતો પર કેન્દ્રિત હતો, તેમ છતાં જાન્યુઆરી 2024 સુધીમાં દેશમાં ટેસ્લાના સૂચિત રોકાણને ઝડપથી મંજૂરી આપવાની વાત કરવામાં આવી હતી,” વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયો, ભારે ઉદ્યોગ અને ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયો ઇલેક્ટ્રીક કાર મેન્યુફેક્ચરરની યોજનાઓ વિશે ચર્ચા કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદી જૂનમાં અમેરિકા પ્રવાસ દરમિયાન ટેસ્લાના સીઈઓ એલન મસ્કને મળ્યા હતા. ઉલ્લેખનીય છે, ભારતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિનની ઉજવણી માટે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. ટેસ્લા ભારતમાં પોતાની સપ્લાય ચેઈન મેનેજમેન્ટ ટીમ ઉતારવા માગે છે. જેના માટે તેણે કેટલીક શરતો અને ફેરફારોની માગ કરી છે. જો કે, સરકારી વિભાગો અને મંત્રાલયો આ મામલે મતભેદો ઉકેલી વહેલી તકે તેને મંજૂરી આપવાના માર્ગ પર કામ કરી રહ્યા છે.

ઈ-કાર પર 40 ટકા આયાત ડ્યુટી કરવા માગ

ટેસ્લાએ અગાઉ સંપૂર્ણ એસેમ્બલ ઇલેક્ટ્રિક કાર પર 40% આયાત ડ્યુટી માંગી હતી, જ્યારે વર્તમાન દર $40,000થી ઓછી કિંમતના વાહનો પર 60% અને ઉપરની કિંમતના વાહનો પર 100% છે. ભારતની આયાત ડ્યુટી ઈલેક્ટ્રિક કાર અને હાઈડ્રોકાર્બન કાર પર એકસરખી છે. સ્થાનિક ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ડ્યુટી ઉંચી રાખવામાં આવી છે.

ટેસ્લા અને ભારત સરકાર વચ્ચે ઊંચી ડ્યુટી એક મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે યુએસ સ્થિત EV નિર્માતા મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપતા પહેલા દેશમાં કેટલીક કાર વેચવા માંગે છે. જે પોતાને એક લકઝરી ઈ-કાર તરીકે નહીં પરંતુ સામાન્ય ઈ-કારની ગણતરીમાં સામેલ કરવા માગે છે.

અગાઉ પણ આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાની વાટાઘાટો નિષ્ફળ જતાં ટેસ્લાએ ભારતમાં પ્રવેશની યોજનાઓ રદ કરી દીધી હતી. નવી દિલ્હીએ કોઈપણ આયાત ડ્યુટી છૂટના બદલામાં સ્થાનિક ઉત્પાદન માટે પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. સરકારે કંપનીને પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ માટે અરજી કરવા પણ કહ્યું હતું જે કસ્ટમ્સ કન્સેશનને બદલે ઉત્પાદકોને સીધી સબસિડી આપે છે.