સેન્સેક્સમાં 756 પોઇન્ટ અને નિફ્ટીમાં 341 પોઇન્ટના ઘટાડા સાથે વિ.સ. 2078 વિદાય
સેન્સેક્સ- નિફ્ટી જોઇને સોદા કરનારા પસ્તાયા અને સ્ક્રીપ્સ આધારીત ટ્રેડિંગ કરનારા કમાયા
બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં પણ વર્ષ દરમિયાન 3 ટકા આસપાસનું ધોવાણ જોવાયું
જોકે બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં વર્ષ દરમિયાન 1 ટકા આસપાસના સુધારાની સ્થિતિ
ડિફેન્સ, પીએસયુ શેર્સ, અદાણી અને તાતા જૂથના શેર્સમાં જોવા મળી ભારે ઝમક
કોવિડ-19માં કંટાળો આપનારા આઇટીસીના શેરમાં વર્ષ દરમિયાન 54 ટકાનો આકર્ષક ઉછાળો, મહિન્દ્રા- મહિન્દ્રા પણ 48 ટકા ઊછળ્યો
પાવર, કેપિટલ ગુડ્સ, એફએમસીજી અને ઓટો શેર્સમાં સુધારા સામે રિયાલ્ટી, આઇટી, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં મોટો ઘટાડો
સેન્સેક્સ- નિફ્ટીની વાર્ષિક ચાલ એક નજરે
વિગત | 4 નવેમ્બર-21 | 21 ઓક્ટો.-22 | તફાવત | ટકા |
સેન્સેક્સ | 60063 | 59307 | -756 | -1.27 |
નિફ્ટી | 17917 | 17516 | -341 | -1.94 |
ભારતીય શેરબજારો માટે વિદાય લઇ રહેલા વિક્રમ સંવત 2078ની ચાલ સેન્સેક્સ- નિફ્ટી તેમજ કેટલાંક ઇન્ડાઇસિસની નજરે જોઇએ તો થોડી નિરાશાજનક રહી કહી શકાય. પરંતુ જે રોકાણકારો અ ટ્રેડર્સે સ્ટોક સ્પેસિફિક ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવી હશે તેઓને બમ્પર કમાણીનો યોગ સર્જાયો હશે. જોકે, સંખ્યાબંધ બ્લૂચીપ સ્ક્રીપ્સમાંથી બ્લૂ નીકળી જવા સાથે માત્ર ચીપ શબ્દ જ રહી ગયો હતો. અર્થાત્ ઘાટ કરતાં ઘડામણ મોંઘું પડ્યું હોવાનું જોવા મળ્યું છે. કોવિડ-19ના વર્ષમાં પણ પોઝિટિવ રિટર્ન આપનારા ભારતીય શેરબજારોમાં છેલ્લાં સાત વર્ષમાં પ્રથમ વખત વિક્રમ સંવત 2078નું વર્ષ નેગેટિવ ટ્રેન્ડ સાથે વિદાય થયું છે.
જિયો પોલિટિકલ ટેન્શન, પોષ્ટ કોવિડ ઇફેક્ટ, સતત વધી રહેલા ફુગાવાની સાથે વ્યાજના દરો તેમજ ક્રૂડની સતત વધી રહેલી કિંમતો સામે ડોલર સામે નબળી પડેલી મહત્વની કરન્સીની સ્થિતિ તેના માટે જવાબદાર રહ્યા હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
દિવાળીના મુહુર્તના સોદા સોમવારે સાંજે 6.15થી 7.15 કલાકે
બીએસઇ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે બન્નેએ અલગ અલગ સર્ક્યુલરમાં જણાવ્યા અનુસાર દિવાળીના મુહુર્તના સોદા સોમવારે સાંજે 6.15 કલાકથી 7.15 કલાક દરમિયાન યોજાશે.