what are you doing? Savings, Investment, Trading or Speculation: તમે શું કરો છો? સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ કે સ્પેક્યુલેશન
કમાણીમાંથી સૌથી પહેલાં બચત કર્યા પછી જ જરૂરિયાત- ખર્ચ માટે જોગવાઇ કરો
100માંથી 99 ટકા રોકાણકારો નોકરી, ધંધો, વ્યવસાય કે કોઇપણ ઉદ્યમ કરીને કમાયેલા નાણામાંથી ભવિષ્ય માટે થોડી ઘણી પણ રકમ બચાવવા પ્રયાસ કરતાં હોય છે. પરંતુ 100માંથી 95 ટકા રોકાણકારો એ નથી જાણતાં હોતાં કે તેમણે કમાણીમાંથી કરેલી બચતનું રોકાણ કેવી રીતે કરવું. સામાન્ય રીતે રોકાણ ચાર પ્રકારે થઇ શકે છે. 1. સેવિંગ્સ, 2. ઇન્વેસ્ટમેન્ટ, 3. ટ્રેડિંગ અને 4. સ્પેક્યુલેશન
- સેવિંગ્સઃ રોજના રૂ.100 કમાતી વ્યક્તિ રૂ. 10ની બચત કરીને સરકારી બચત યોજનાઓ, બેન્કમાં રિકરીંગ એકાઉન્ટ સહિતની સેવિંગ્સ સ્કીમ્સમાં રોકે છે. જેની ઉપર વાર્ષિક એવરેજ 4-6 ટકા વ્યાજ મળે છે.
- ઇન્વેસ્ટમેન્ટઃ મહિને રૂ. 10હજાર/ લાખ કમાતી વ્યક્તિ રૂ. 1000/ 10 હજારની બચત કરીને એફડી, ઇક્વિટી મ્યુ. ફંડ એસઆઇપી, પીપીએફ વગેરેમાં રોકે છે. જેમાં વાર્ષિક ધોરણે 10-15 ટકા રિટર્ન મળે છે.
- ટ્રેડિંગઃ જેમાં પરચેસ અને સેલ વેલ્યૂ બન્ને તમારા કાબૂમાં હોય. કોઇને તાત્કાલિક પૈસાની જરૂર છે. રૂ. એક કરોડની ઓફીસ રૂ. 85 લાખમાં ખરીદીને 6-12 મહિનામાં વેચી 15 ટકા રિટર્ન મેળવો છો.
- સ્પેક્યુલેશનઃ એવું આંધળું ઇન્વેસ્ટમેન્ટ કે જેમાં ખરીદ્યાની બીજી જ સેકન્ડે ખરીદ કિંમત સામે વેલ્યૂ અપ કે ડાઉન થઇ જાય. માત્ર પ્રિડિક્શનના આધારે ઇન્વેસ્ટમેન્ટ એટલે સ્પેક્યુલેશન.
સામાન્ય રીતે મૂડીરોકાણના મુદ્દે મુખ્યત્વે ચાર કેટેગરીના રોકાણકારો જોવા મળતાં હોય છે.
1. મૂડી હોવા છતાં પરાવલંબી
આ કેટેગરીના રોકાણકારો પોતાની રીતે કરેલી મહેનતમાંથી કમાયેલી મૂડીમાંથી બચત અને બચતમાંથી મૂડીરોકાણના મુદ્દે પણ સલાહ તો બીજાની જ વાપરતાં હોય છે. આવા રોકાણકારો કમાણીમાંથી વધેલી ફાજલ મૂડીના આયોજન પ્રત્યે પૂરતું ધ્યાન આપતાં નથી. તેમની મૂડી સૌથી નીચું રિટર્ન આપતાં બેન્કના સેવિંગ્સ એકાઉન્ટ, એફડી, લાઇફ ઇન્સ્યોરન્સ, નાની બચત યોજનાઓ જેવાં નીચું રિટર્ન આપતાં મૂડીરોકાણ સ્રોતમાં કે ઘરની તિજોરીમાં ફાજલ પડી રહે છે.
2. બચત પણ બોજો બની જાય
આ કેટેગરીના રોકાણકારો કમાણીમાંથી બચતનું મૂડીરોકાણ તો કરે છે. પરંતુ ક્યારે, કેટલું અને કયા કયા સ્રોતમાં અસરકારક મૂડીરોકાણ કરવું તેનું કોઇ આયોજન કરતાં નથી. ટૂંકાગાળાની ખર્ચ જરૂરિયાત હોય અને લાંબાગાળાના સ્રોતમાં નાણા રોકીને બેઠાં હોય. તેનાથી વિપરીત લાંબાગાળા સુધી કોઇ મોટી આર્થિક જવાબદારી ના હોય છતાં ટૂંકાગાળાના સ્રોતમાં નાણા રોકે અને મૂડી પાછી આવતાં વપરાઇ જાય.
3. કમાયા તો ખરાં પણ વાપરવાના રહી ગયા
ઘણાં રોકાણકારો કમાણીમાંથી બચત અને મૂડીરોકાણનું આયોજન કરી શકે છે. પરંતુ ખર્ચનું આયોજન કરવાનું રહી ગયું હોય છે. તેથી જ્યારે ખર્ચ માથે આવી પડે ત્યારે મૂડીરોકાણમાં લાગેલી મૂડી તોડવાની જરૂર પડે છે. આવશ્યક ખર્ચાઓ અને મોજશોખને પણ સાઇડમાં રાખીને માત્ર મૂડીપતિ થવાની હાયમાં અને લ્હાયમાં આખી જિંદગી નીકળી જાય. છેલ્લે વધે માત્ર અફસોસ કે, કમાયા તો ખરા પણ વાપરી ના શક્યાં!
4. સફળ મૂડીરોકાણ આયોજક
કમાવાની કુનેહ, યોગ્ય પ્રમાણમાં બચત અને મૂડીરોકાણ, સાથે સાથે વાપરવાની આવડતનો ત્રિવેણી સંગમ ધરાવતાં રોકાણકારોને આ કેટેગરીમાં સમાવી શકાય. અસરકારક મૂડીરોકાણ રાતોરાત થઇ જાય તે શક્ય નથી. તેના માટે અભ્યાસ, અનુભવ અને આવડત કેળવવા ઉપરાંત અનુભવીની સલાહની પણ જરૂર પડે છે.
સામાન્ય રોકાણકારની મનોવૃત્તિ
• 30 ટકા રોકાણકારો માત્ર રૂપિયા કમાવામાં જ રચ્યા- પચ્યા રહે છે
• 30 ટકા રોકાણકારો કમાણીમાંથી બચતનું આયોજન કરતાં હોય છે
• 30 ટકા રોકાણકારો કમાણીમાંથી બચત- રોકાણ બન્નેનું આયોજન કરે
• 10 ટકા રોકાણકારો બચત-રોકાણ-આવક- ખર્ચનું આયોજન કરે છે
ઇન્વેસ્ટમેન્ટ મંત્ર
કમાણીમાંથી સૌથી પહેલા બચતનો ચોક્કસ હિસ્સો નિયમીત રીતે અલગ રાખો. તેમાંથી મૂડીરોકાણ આયોજન કરો. પછી જ પાયાની જરૂરિયાતો અને ખર્ચ માટે જોગવાઇ કરો.