યુક્રેન અને રશિયા યુદ્ધની વણસી રહેલી સ્થિતિને ધ્યાનમાં લેતાં એલઆઈસીનો આઈપીઓ પાછો ઠેલવાઈ શકે છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણે મીડિયા ઈન્ટરવ્યુમાં આ અંગે જણાવ્યુ હતું કે, વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય રોકાણકારોના હિતને ધ્યાનમાં લેતાં એલઆઈસીના આઈપીઓ વિશે પુન: વિચારણા કરીશું. ઉલ્લેખનીય છે કે, એલઆઈસીનો ડ્રાફ્ટ હાલ અંડર પ્રોસેસમાં છે. સેબીની મહોર લાગવાની બાકી છે.

પ્રાઈમરી માર્કેટમાં શુષ્ક માહોલ, પણ આઈપીઓ ફાઈલિંગમાં વૃદ્ધિ

  • 88 હજાર કરોડના 21 આઈપીઓ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ થયાં બે માસમાં
  • 1.5 લાખ કરોડના 58થી વધુ આઈપીઓ પાઈપલાઈનમાં

ગ્લોબલ ક્રાઈસિસ, યુક્રેન- રશિયા જિયો પોલિટિકલ ક્રાઇસિસ તેમજ મંદીના માહોલ વચ્ચે પ્રાઈમરી માર્કેટમાં નવા આઈપીઓ લોન્ચ કરતાં કંપનીઓ ખચકાઈ રહી છે. બીજી બાજુ આઈપીઓ માટે ફાઈલિંગનુ પ્રમાણ વધ્યું છે. સેબી સમક્ષ બે માસમાં આશરે રૂ. 87866 કરોડના 21 આઈપીઓ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ થઈ ચૂક્યાં છે. જેમાંથી માત્ર એક અદાણી વિલમર આઈપીઓ લાવવામાં સફળ રહી છે. હાલમાં જ માર્કેટ રેગ્યુલેટરે જેકે ફાઈલ્સ એન્જિનિયરિંગ (રૂ. 800 કરોડ) અને એલિન ઈલેક્ટ્રોનિક્સ (રૂ. 760 કરોડ)ને આઈપીઓ માટે મંજૂરી આપી છે. જો કે, હજી 45 આઈપીઓ મંજૂરી માટે રાહ જોઈ રહ્યાં છે. ફાઈનાન્સિયલ ક્રાઇસિસમાં ફંડિંગ અને લિસ્ટિંગના લાભો મેળવવા ઈચ્છુક ઘણી કંપનીઓ આ વર્ષે આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કરશે તેવી શક્યતા માર્કેટ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. 

50 IPOને મંજૂરી, યોગ્ય માહોલની રાહ જોઈ રહ્યા છે અંદાજિત 1.5 લાખ કરોડથી વધુ ઈશ્યૂ સાઈઝ ધરાવતા 60થી વધુ આઈપીઓ કતારમાં છે. જેમાંથી 50 આઈપીઓને સેબીનું ગ્રીન સિગ્નલ મળ્યુ હોવા છતાં યોગ્ય પોઝિટિવ માર્કેટ ટ્રેન્ડની રાહ જોઈ રહી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી રૂ. 7429.20 કરોડના માત્ર 3 આઈપીઓ યોજાયા છે. ગતવર્ષે સમાનગાળામાં 7 આઈપીઓ (રૂ. 8913.33 કરોડ) યોજાયા હતાં