Gold All Time High: સોનુ રૂ. 1800 વધી રેકોર્ડ ટોચે પહોંચ્યું, જાણો કારણ અને આગામી ટ્રેન્ડ
અમદાવાદ, 1 એપ્રિલઃ વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓના ભાવ રેકોર્ડ ટોચે પહોંચવાની સાથે સ્થાનિક સ્તરે પણ સોનામાં તેજી જોવા મળી છે. સોનાનો ભાવ રૂ. 1800 વધી રૂ. 69487 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. સવારે 9:30 વાગ્યે, MCX એપ્રિલ સોનાનો વાયદો રૂ. 1,253 અથવા 1.85% વધીને રૂ. 68,930 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે મે ચાંદીનો વાયદો રૂ. 739 અથવા 0.98% વધીને રૂ. 75,787 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
5 જૂન, 2024ના રોજ પાકતા સોનાના વાયદા MCX પર રૂ. 1108 અથવા 1.64 ટકાના ઉછાળા પછી રૂ. 68,809 પ્રતિ 10 ગ્રામ પર હતા. અગાઉનો બંધ રૂ. 67,701 પર નોંધાયો હતો. સોનાના ભાવમાં તેજી પાછળનું કારણ અમેરિકા દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાની તીવ્ર શક્યતાઓ છે. અમેરિકી ફુગાવો ઘટ્યો હોવાથી આ શક્યતાઓ પ્રબળ બનતાં કિંમતી ધાતુઓમાં રોકાણ વધ્યું છે.
યુએસ વ્યાજદરમાં કાપની અપેક્ષાઓ અને સુરક્ષિત સંપત્તિ તરીકે મેટલની માગ વધતાં સોમવારે સોના-ચાંદીની કિંમતો વધી રેકોર્ડ ટોચે પહોંચી હતી. સ્પોટ ગોલ્ડ 1.32% વધીને $2,265.53 પ્રતિ ઔંસ અને યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 2%થી વધુ વધીને $2,286.39 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ જોસેફ કેવાટોનીએ જણાવ્યું હતું કે, “મને લાગે છે કે સોનામાં આકર્ષક તેજી જોવા મળી રહી છે. આગામી સમયમાં ફેડ રેટ કટની સંભાવનાઓના પગલે બજારના ટ્રેડર્સ મોટાપાયે સોના-ચાંદીની ખરીદી કરી રહ્યા છે.”
બજારના નિરીક્ષકો યુએસ ફેડરલ રિઝર્વ મે અથવા જૂનમાં દરમાં ઘટાડો કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. બુલિયનની કિંમતો વિદેશી માગના કારણે સતત વધી રહી છે. ચીનમાં પણ ખાનગી રોકાણકારો સોના તરફ આકર્ષાઈ રહ્યા છે. જેની પાછળનું કારણ ચીનના રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી છે. ચીનની ઈકોનોમી, સ્ટોક માર્કેટ તથા કરન્સી માર્કેટમાં મંદી છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતાં વૈશ્વિક સ્તરે સોના-ચાંદીનો ભાવ વધવાનો આશાવાદ છે.
જિઓ-પોલિટિકલ જોખમો, સ્થાનિક ફુગાવો અને અમેરિકી ડોલર નબળો પડતાં રિઝર્વ પોર્ટફોલિયોનુ ડાયવર્સિફિકેશન કરતાં વિશ્વની સેન્ટ્રલ બેન્કો સોનાની ખરીદી વધારી રહી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટમાં જાણવા મળ્યું છે. જે રોકાણકારોને આગામી સમયમાં 10થી 12 ટકા તેજીની સંભાવના સાથે હાલ નીચા મથાળે ખરીદી વધારવા પ્રોત્સાહિત કરી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)