RBIએ ફિનટેક કંપનીઓને શંકાસ્પદ વ્યવહારોની વિગતો આપવા કર્યો આદેશ
મુંબઈ, 23 એપ્રિલઃ દેશમાં શરૂ થયેલી લોકસભાની ચૂંટણીના સમયગાળા દરમિયાન ઊંચા મૂલ્યના અથવા શંકાસ્પદ વ્યવહારની જાણકારી પૂરી પાડવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ દરેક નોન-બેન્ક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો (PSO)ને નિર્દેશ કર્યો છે. ખાસ કરીને વોલેટ ટ્રાન્ઝકશન્સમાં પેમેન્ટસ માટેની વધુ માગ રહે છે કે કેમ તેના પર પણ નજર રાખવાની સૂચના આપવામાં આવી છે.
મતદાતાઓને પ્રભાવિત કરવા અથવા ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોને ભંડોળ પૂરું પાડવા પેમેન્ટસના વિવિધ ઈલેકટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરવાની શકયતા હોવાની જાણ રિઝર્વ બેન્ક દ્વારા નોન-બેન્ક PSOને મોકલાયેલા પત્રમાં કરાઇ છે. ચૂંટણી પંચે આ સંદર્ભમાં રિઝર્વ બેન્ક સમક્ષ ચિંતા વ્યકત કરીને યોગ્ય પગલાં લેવા ભલામણ કરી હતી. ફિનટેક કંપનીઓને આવા પ્રકારના કોઈપણ નાણાંકીય વ્યવહારની યોગ્ય એજન્સી અથવા ઓથોરિટીને માહિતી પૂરી પાડવા રિઝર્વ બેન્કે સૂચના આપી છે.
PSO એ ઈન્ટરમીડિયરિસ છે જેમાં પેમેન્ટ ગેટવેસ, કાર્ડ નેટવર્કસ, પેમેન્ટ એપ્સ જે ઓનલાઈન વ્યવહારમાં નાણાં સ્વીકારનાર અને ચૂકવનારને પેમેન્ટસ પતાવટની વ્યવસ્થા પૂરી પાડે છે. ચૂંટણીના સમયગાળા દરમિયાન કોઈપણ શંકાસ્પદ નાણાંકીય વ્યવહારની જાણકારી પૂરી પાડવા ચૂંટણી પંચે બેન્કોને પણ સૂચના આપી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. બેન્કોએ રોજેરોજ ચૂંટણી પંચને માહિતી આપવાની રહેશે.
૧૯ એપ્રિલથી શરૂ થયેલી લોકસભાની ચૂંટણી ૧ જૂનના સમાપ્ત થઈ રહી છે. લોકસભા તથા વિધાનસભાની ચૂંટણી દરમિયાન દેશમાં કાળા નાણાંના વ્યવહારમાં જોરદાર વધારો થતો હોવાનું જોવા મળે છે. ટેકનોલોજીના વપરાશમાં વધારો થવા સાથે હવે રોકડ નાણાંની હેરફેર કરવાને બદલે ઓનલાઈન વ્યવહાર કરવાની માત્રામાં વધારો થયો છે. રોકડની હેરફેર કરવામાં જોખમ રહેતા હોય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)