વેદાંતા ગ્રુપની માર્કેટકેપમાં નાણા વર્ષ-25માં રૂ. 2.2 લાખ કરોડ+નો વધારો
અમદાવાદ, 21 જૂનઃ વેદાંતા ગ્રૂપની 28 માર્ચ અને 20 જૂન, 2024 વચ્ચે માર્કેટ કેપિટલમાં રૂ. 2.2 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. તુલનાત્મક રીતે, અદાણી અને મહિન્દ્રા ગ્રુપે બંનેએ તેમના માર્કેટ કેપમાં રૂ. 1.4 લાખ કરોડનો વધારો જોયો હતો. જ્યારે ટાટા ગ્રૂપનું માર્કેટ કેપ રૂ. 60,600 કરોડથી વધુ વધ્યું હતું જ્યારે હેવીવેઇટ ગણાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ વેલ્યુ રૂ. 8,200 કરોડથી વધુ ઘટી હતી. હિંદુસ્તાન ઝિંકના શેરોમાં જોવાયેલા જોરદાર ઉછાળાના કારણે આ અગ્રણી ઝિંક કંપનીમાં ભારત સરકારના 29.5 ટકા હિસ્સાનું મૂલ્ય બેગણું વધીને રૂ. 80,000 કરોડથી વધુ થયું છે. નીચે દર્શાવેલ ટેબલમાં 28 માર્ચ અને 20 જૂન વચ્ચે ઉપરોક્ત સમૂહોના માર્કેટ કેપમાં સંપૂર્ણ વધારો દર્શાવવામાં આવ્યો છે:
ક્રમ | ગ્રૂપ | 28માર્ચ24 | 20જૂન24 | વૃદ્ધિ |
1 | વેદાંતા | 224462 | 448454.2 | 223991.2 |
2 | મહિન્દ્રા | 418575 | 557797.7 | 139222.7 |
3 | અદાણી | 1590872 | 1734503 | 143631 |
4 | ટાટા | 3003198 | 3063810 | 60611 |
5 | રિલાયન્સ | 2275614 | 2267331.2 | –8283 |
તેજી જોવાઈ તેની પાછળના કારણો
સૂચિત ડિમર્જર, ડિલિવરેજિંગ પર મેનેજમેન્ટનું સતત ધ્યાન અને આવકોમાં નોંધપાત્ર વધારા સહિતના અનેક હકારાત્મક પરિબળોના લીધે વેદાંતા અને હિંદુસ્તાન ઝિંકના શેર્સ તેમના 52 સપ્તાહની નીચી સપાટીથી બેગણા વધ્યા છે. વેદાંતા વૈશ્વિક સ્તરે એલ્યુમિનિયમ અને ઝિંકના સૌથી ઓછો ખર્ચ ધરાવતા ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે, જેણે તેની નફાકારકતામાં વધારો કર્યો છે. મધ્યમ કોમોડિટી સાયકલ હોવા છતાં વેદાંતાએ 30 ટકાના એબિટા માર્જિન સાથે નાણાંકીય વર્ષ 2024માં તેની રૂ. 1,41,793 કરોડની બીજી સૌથી વધુ આવક અને રૂ. 36,455 કરોડની એબિટા નોંધાવી હતી. વેદાંતામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું હોલ્ડિંગ માર્ચ ત્રિમાસિક ગાળાના અંતે વધીને 8.77 ટકા થયું હતું, જે તેના અગાઉના ત્રિમાસિક ગાળામાં 7.74 ટકા હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)