Adani-Hindenburg case verdict: સુપ્રીમ કોર્ટે વધુ તપાસની અરજી ફગાવી, અદાણી ગ્રુપના શેરોમાં 11 ટકા સુધીનો ઉછાળો
અમદાવાદ, 3 જાન્યુઆરીઃ સુપ્રીમ કોર્ટની બેન્ચે અદાણી-હિન્ડેનબર્ગ કેસ મામલે વધુ તપાસની અરજી ફગાવી છે. તેમજ સેબીની સંપૂર્ણ તપાસમાં હિન્ડેનબર્ગ દ્વારા મૂકવામાં આવેલા તમામ આરોપો સાબિત ન થયા હોવાની જાહેરાત કરતાં અદાણી ગ્રુપના શેરોમાં તેજી જોવા મળી છે. અદાણી ગ્રુપના શેરોમાં 11 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટનો શેર વર્ષની ટોચે પહોંચ્યો હતો.
સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા તથા મનોજ મિશ્રાની બેન્ચે દાણી ગ્રુપની કંપનીઓ વિરૂદ્ધ હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં જારી કરવામાં આવેલા આરોપોની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને સોંપવાની અરજી ફગાવી છે. તેમજ કોર્ટે જણાવ્યું હતું કે, માર્કેટ રેગ્યુલેટર સેબીએ 24 કેસોમાંથી 20ની તપાસ પૂર્ણ કરી છે. બાકીના 2 કેસોની તપાસ 3 માસમાં પૂર્ણ કરવા નિર્દેશ કર્યો છે.
Adani Group Stocks Price Live
સ્ક્રિપ્સ | છેલ્લો ભાવ | ઉછાળો |
ADANI ENERGY | 1,140.00 | 7.46% |
ADANI TOTAL | 1,062.60 | 6.20% |
ADANI WILMAR | 381.05 | 3.97% |
ADANI GREEN | 1,663.25 | 3.78% |
ADANI POWER | 534.90 | 3.11% |
ADANI ENTERPRISES | 2,992.50 | 2.06% |
ADANI PORTS & SEZ | 1,092.20 | 1.27% |
AMBUJA CEMENT | 534.80 | 0.79% |
ACC | 2,277.45 | 0.43% |
સુપ્રીમ કોર્ટે અદાણી-હિન્ડેનબર્ગ મામલે આ નિર્દેશો આપ્યા
- સેબી દ્વારા કેસમાં થયેલી તપાસની સત્તા SITને સોંપવાની અરજી ફગાવી વધુ તપાસની માગ રદ્દ કરી
- સેબીએ 22માંથી 20 આરોપો મામલે તપાસ પૂર્ણ કરી છે. બાકીના 2 કેસોની તપાસ 3 માસમાં પૂર્ણ કરવા નિર્દેશ કર્યો
- કોર્ટે જણાવ્યું કે, OCCRPનો રિપોર્ટની મદદથી સેબીની તપાસ પર શંકા કરી શકાય નહિં. OCCRPનો રિપોર્ટ રદ્દ કર્યો છે. તેમજ કોઈપણ વેરિફિકેશન વિના થર્ડ પાર્ટી ઓર્ગેનાઈજેશનનો રિપોર્ટ પુરાવા તરીકે લઈ શકાય નહિં.
- CJIએ કહ્યું કે, અખબારના અહેવાલો અને હિન્ડેનબર્ગના રિપોર્ટ પર આધાર રાખીને વૈધાનિક રેગ્યુલેટર પર સવાલ ઉઠાવી શકાય નહીં. તેને ઇનપુટ્સ તરીકે ગણી શકાય પરંતુ સેબીની તપાસ પર શંકા કરવા માટે નિર્ણાયક પુરાવા તરીકે નહીં. સેબી દ્વારા કરવામાં આવેલી તપાસ પર શંકા કરવાનો કોઈ પુરાવો મળ્યો નથી.
- સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને સેબીને શોર્ટ સેલિંગ પર હિંડનબર્ગ રિપોર્ટમાં કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે કે કેમ તેની તપાસ કરવા અને જો તેમ હોય તો, યોગ્ય કાનૂની પગલાં લેવાનો આદેશ આપ્યો છે. તેણે કેન્દ્ર અને સેબીને નિયમનકારી માળખું મજબૂત કરવા નિષ્ણાત સમિતિની ભલામણ પર વિચાર કરવા પણ જણાવ્યું હતું.