મુંબઈ, 28 મે: જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ (JFSL) અને બ્લેકરોક વચ્ચેના 50:50ના સંયુક્ત સાહસ જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ)ને ભારતમાં તેમના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે કામગીરી શરૂ કરવા માટે સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે.

જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ ભારતીય રિટેલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો તેમજ ભારતના સંસ્થાકીય રોકાણકારોની વધતી જતી સંખ્યા માટે રોકાણની નવીન તકો લાવશે. આ એસેટ મેનેજમેન્ટ કંપની તેના બે પ્રાયોજકોની અનન્ય શક્તિઓનો લાભ લેવાનો પ્રયાસ કરશે: JFSLની ડિજિટલ પહોંચ અને સ્થાનિક બજારની તેની ઊંડી સમજ, બ્લેકરોકની વૈશ્વિક રોકાણ કુશળતા તથા અગ્રણી રિસ્ક મેનેજમેન્ટ ટેક્નોલોજીનો તેમાં સમાવેશ થાય છે.

તમામ રોકાણકારો માટે જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટના ઓફરિંગના મુખ્ય તફાવતોમાં સ્પર્ધાત્મક અને પારદર્શક કિંમતો તથા નવીન ઉત્પાદનોનો સમાવેશ થશે, જેને બ્લેકરોકની પ્રખ્યાત રિસ્ક મેનેજમેન્ટ એક્સપર્ટાઇઝના ઉપયોગનો લાભ મળશે. તેમાં અલાદ્દીનનો સમાવેશ થાય છે, આ એક વૈશ્વિક સ્તરે પ્રખ્યાત પોતાની માલિકીનું ટેકનોલોજી પ્લેટફોર્મ છે જે એક કોમન ડેટા લેંગ્વેજ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટની પ્રક્રિયાને એકીકૃત કરે છે. રિટેલ રોકાણકારો માટે આ પ્લેટફોર્મ તેના ડિજિટલ-ફર્સ્ટ કસ્ટમર પ્રપોઝીશન તરીકે પણ વિશિષ્ટ હશે. જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ આગામી મહિનાઓમાં વિવિધ પ્રકારના રોકાણ ઉત્પાદનો શરૂ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જેમાં ડેટા-ડ્રિવન ઇન્વેસ્ટેમેન્ટમાં બ્લેકરોકની ઇન્ડસ્ટ્રી-લીડિંગ ક્ષમતાઓનો ઉપયોગ કરતી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

JFSLના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારતનો ઝડપી વિકાસ નીડર આકાંક્ષાઓ સાથેની નવી પેઢી દ્વારા પ્રેરિત છે. બ્લેકરોક સાથેની અમારી ભાગીદારી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટાઇઝ અને જિયોના ડિજિટલ-ફર્સ્ટ ઇનોવેશનનું શક્તિશાળી સંયોજન છે. સાથે મળીને અમે દરેક ભારતીય માટે રોકાણને સરળ, સુલભ અને સમાવિષ્ટ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. મને વિશ્વાસ છે કે જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ ભારતમાં નાણાકીય સશક્તીકરણના ભવિષ્યને આકાર આપવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવશે.”

બ્લેકરોકના હેડ ઓફ ઇન્ટરનેશનલ રચેલ લોર્ડે જણાવ્યું હતું કે, “આજે ભારતમાં એસેટ મેનેજમેન્ટમાં તકો ખૂબ જ રોમાંચક છે. જિયોબ્લેકરોકની ડિજિટલ-ફર્સ્ટ કસ્ટમર પ્રપોઝીશન રોકાણકારોને સીધા ઓછા ખર્ચે સંસ્થાકીય ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પહોંચાડશે.”

જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ સિદ સ્વામિનાથનને તેના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સિદ સ્વામિનાથને જણાવ્યું હતું કે, જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં રોકાણકારોને સંસ્થાકીય ગુણવત્તાયુક્ત રોકાણ ઉત્પાદનો ડિજિટલ રીતે પહોંચાડવાનો અને દેશની રોકાણ ઇકોસિસ્ટમના વિકાસમાં યોગદાન આપવાનો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)