અમદાવાદ, 30 ઓક્ટોબરઃ એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, ઈંટો અને પેનલ્સના ઉત્પાદક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે મહારાષ્ટ્રના વાડા ખાતે સ્થિત તેના એએસી બ્લોક્સ ઉત્પાદન પ્લાન્ટના બીજા તબક્કાના વિસ્તરણની કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. આ વિસ્તરણ સાથે, કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતા 2,50,000થી બમણી કરીને પ્રતિ  વર્ષ 5,00,000 ક્યુબિક મીટર કરી છે અને આ રીતે બિગબ્લોક કન્સ્ટ્રક્શન્સ લિમિટેડ ભારતમાં સૌથી મોટી એએસી બ્લોક ઉત્પાદકો પૈકીની એક બની છે.

બિગબ્લોક કન્સ્ટ્રક્શન્સના ચેરમેન નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે, આ સાથે વાડા પ્લાન્ટ ખાતે 625 કિલોવોટ રૂફટોપ સોલાર પ્લાન્ટની સ્થાપના પણ શરૂ કરી છે. તાજેતરમાં, ગ્રૂપના પ્રમોટર્સે ઓપન માર્કેટમાંથી કંપનીના 1.34 લાખ ઇક્વિટી શેર્સ હસ્તગત કર્યા હતા. 30મી સપ્ટેમ્બર 2024ના રોજ કંપનીમાં પ્રમોટર ગ્રૂપનું હોલ્ડિંગ 10,26,66,012 ઇક્વિટી શેર ધરાવવા સાથે વધીને 72.51 ટકા થયું છે. પ્રમોટરો છેલ્લા ચાર વર્ષથી બિઝનેસ વિસ્તરણ યોજનાઓને ટેકો આપવા માટે ડિવિડન્ડ મેળવવાનો તેમના અધિકારનો ત્યાગ કર્યો છે.

આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડની રચના કરવા થાઈલેન્ડની એસસીજી ઈન્ટરનેશનલ કોર્પોરેશન કંપની લિમિટેડ, (એસસીજી ઈન્ટરનેશનલ) સાથે વ્યૂહાત્મક સંયુક્ત સાહસ કર્યું હતું. સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ એ અમદાવાદ (ગુજરાત) નજીકના ખેડા જિલ્લામાં એએસી વૉલ્સ અને એએસી બ્લોક્સ માટેનું અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ છે. લગભગ રૂ. 65 કરોડના રોકાણ સાથે વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ ભારતનો પ્રથમ એએસી વૉલ પ્લાન્ટ છે. આ પ્લાન્ટ વર્ષે લગભગ રૂ. 100 કરોડની આવક ઊભી કરે તેવી સંભાવના છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)