BSNLને રૂ. 1.64 લાખ કરોડનુ પેકેજ, BBNLસાથે મર્જ થશે
દેવાના બોજા તેમજ ફડચામાં ચાલી રહેલી સરકારી ટેલિકોમ કંપનીને ઉગારવા સરકાર આગળ આવી છે | રાહત પેકેજની સાથે તેનું BBNL સાથે મર્જર કરવા મંજૂરી મળતાં કંપનીના ગ્રોથમાં રિકવરીનો આશાવાદ |
નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે સરકારની માલિકીની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માટે રૂ. 1.64-લાખ કરોડના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે. સતત ખોટ કરતી તેમજ વેન્ટિલેટર પર ચાલી રહેલી બીએસએનએલને ખોટ અને દેવામાંથી ઉગારવા અંતે કેન્દ્ર સરકારે તેને BBNL સાથે મર્જ કરવા મંજૂરી પણ આપી છે. રિવાઈવલ પેકેજમાં ત્રણ મુખ્ય ઘટકો હશે. તેનો હેતુ BSNL સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવાનો છે, તેનો ઉપયોગ બેલેન્સ શીટમાં સુધારો કરવાનો તેમજ ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ (BBNL)ને મર્જ કરીને કંપનીની ફાઇબર પહોંચને વિસ્તૃત કરવાનો છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, પેકેજમાં રૂ. 43,964 કરોડની રોકડ સહાય અને રૂ. 1.20 લાખ કરોડની બિન-રોકડ સહાયનો સમાવેશ થશે. રિવાઈવલ પ્રોગ્રામ ચાર વર્ષના સમયગાળા માટે છે, પરંતુ તેનો મોટાભાગનો અમલ પ્રથમ બે વર્ષમાં કરવામાં આવશે. રોકડનો ઉપયોગ સ્પેક્ટ્રમ ફાળવણી, મૂડી ખર્ચ અને વાયાબિલિટી ગેપ ફંડિંગ માટે કરવામાં આવશે.
માર્કેટમાં ટકી રહેવા 45 હજાર કરોડના ખર્ચે સ્પેક્ટ્રમની ફાળવણી
હાલની સેવાઓમાં સુધારો કરવા અને 4G સેવાઓ પૂરી પાડવા માટે, BSNLને 900/1800 MHz બેન્ડમાં વહીવટી રીતે 44,993 કરોડના ખર્ચે ઇક્વિટી ઇન્ફ્યુઝન દ્વારા સ્પેક્ટ્રમ ફાળવવામાં આવશે. આ સ્પેક્ટ્રમ સાથે, BSNL બજારમાં સ્પર્ધા કરી શકશે અને હાઇ સ્પીડ પ્રદાન કરી શકશે. ગ્રામીણ વિસ્તારો સહિત તેના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરીને BSNL “આત્મનિર્ભર 4G” ટેક્નોલોજીમાં વર્ચસ્વ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે.
આગામી ચાર વર્ષ માટે ફંડિંગની ફાળવણી
સેગમેન્ટ | ફંડ | હેતુ |
કેપેક્સ | 22471 | આત્મનિર્ભર 4જી સ્ટેકને વેગ |
વાયાબિલિટી ગેપ | 13789 | ગ્રામ્ય વિસ્તારોમાં વિસ્તરણ |
સ્પેક્ટ્રમ ફાળવણી | 44993 | પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા |
(આંકડા કરોડ રૂ.માં)
33 હજાર કરોડના જંગી દેવાનો ડુંગર છે કંપની પર
– 89.87 ટકા માર્કેટ હિસ્સો ખાનગી ટેલિકોમ કંપનીઓનો વાયરલેસ સબ્સ્ક્રાઈબર્સમાં
– 1 લાખ રોજગારીનું સર્જન થશે આ ફંડિંગથી
– 4જી સર્વિસ શરૂ થયાના આઠ વર્ષમાં પણ બીએસએનએલે આ સેવા આપી નહીં
કંપની છેલ્લા એક દાયકાથી ખોટમાં
વર્ષ | ચોખ્ખી ખોટ |
2015-16 | 4859 |
2016-17 | 4793 |
2017-18 | 7993 |
2018-19 | 14202 |
2019-20 | 15500 |
2020-21 | 7441 |
(આંકડા કરોડ રૂ.માં)