નવી દિલ્હીઃ કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ અર્થાત્ ચાલુ ખાતાની ખાધ (CAD)ને લક્ષ્યાંક સુધી લઇ જવા તેમજ સોનાની આયાતોમાં વધારાના પગલે કેન્દ્રે જુલાઈ-22માં સોનાની આયાત ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. સોના પર બેઝિક કસ્ટમ ડ્યુટી 12.5 ટકા છે. 2.5 ટકાનો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ પણ (AIDC) સામેલ છે. તેના પગલે જેમ્સ અને જ્વેલરીની નિકાસને અસર થવાની દહેશત વ્યક્ત કરવા સાથે વાણિજ્ય મંત્રાલયે આગામી બજેટમાં સોના પરની આયાત ડ્યૂટીમાં કાપ મૂકવાની માંગ કરી છે.

જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગે વાણિજ્ય મંત્રાલયને ડ્યુટીમાં કાપ મૂકવાની ભલામણ કરી હતી. વાણિજ્ય મંત્રાલયે જેને યોગ્ય માનતાં નાણા મંત્રાલય સમક્ષ અરજી કરી છે. મંત્રાલયે ઉત્પાદન અને નિકાસને વેગ આપવા માટે અમુક અન્ય ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં ફેરફાર કરવા માટે અપીલ કરી છે. દર વર્ષે જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ ઉદ્યોગ આયાત ડ્યુટીમાં ઘટાડો કરવાના મગ કરતુ હોય છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ભૂતપૂર્વ ચેરમેન અને કામા જ્વેલરીના ફાઉન્ડર તથા એમડી કોલિન શાહે જણાવ્યું હતું કે નિકાસ ઉદ્યોગને આગળ ધપાવવા અને આ ક્ષેત્રમાં નોકરીઓનું સર્જન કરવા માટે કાઉન્સિલ આગામી બજેટ પર આશા રાખી રહ્યું છે. કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ભારત વિશ્વનું રિપેર હબ બનવાની ક્ષમતા ધરાવે છે અને આ નીતિ નિકાસમાં USD 300-400 મિલિયન સુધીનો વધારો કરવામાં મદદરૂપ કરશે.

જેમ્સ-જ્વેલરીની નિકાસ 2 ટકા વધી

આ વર્ષે એપ્રિલ-નવેમ્બર 2022માં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 2 ટકા વધીને USD 26.45 અબજ થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-નવેમ્બર દરમિયાન સોનાની આયાત 18.13 ટકા ઘટીને USD 27.21 અબજ થઈ છે. સોનાની આયાત ચાલુ ખાતાની ખાધ (CAD) પર અસર કરે છે. ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર છે, જે મુખ્યત્વે જ્વેલરી ઉદ્યોગની માંગને સંતોષે છે. દેશમાં વાર્ષિક ધોરણે 800થી 900 ટન સોનાની આયાત થતી હોય છે.