એર ઈન્ડિયાની સાપ્તાહિક બ્રિટન ફ્રીક્વન્સી વધી 48 જ્યારે અમેરિકામાં 40 થશે

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ બર્મિંગહામ, લંડન અને સેન ફ્રાન્સિસ્કો સુધી દર અઠવાડિયે વધુ 20 ફ્લાઇટની જાહેરાત કરી હતી. આ 3 આંતરરાષ્ટ્રીય સ્થળો સુધી વધારાની ફ્લાઇટ્સ ચાલુ વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી તબક્કાવાર રીતે પ્રસ્તુત કરવામાં આવશે. દર અઠવાડિયે બર્મિંગહામ સુધી 5 વધુ ફ્લાઇટ, લંડન સુધી 9 વધારાની ફ્લાઇટ અને સેન ફ્રાન્સિસ્કો સુધી 6 વધારાની ફ્લાઇટ સાથે ગ્રાહકોને દર અઠવાડિયે 5,000થી વધારે વધુ સીટો ઓફર થશે તથા કનેક્ટિવિટી, સુવિધા અને કેબિન સ્પેસની દ્રષ્ટિએ પુષ્કળ વિકલ્પો આપશે.

એર ઇન્ડિયાનું હાલનું શીડ્યુલ બ્રિટન સુધી દર અઠવાડિયે 34 ફ્લાઇટનું છે, જે હવે વધીને 48 ફ્લાઇટનું થશે. બર્મિંગહામને દર અઠવાડિયે વધુ પાંચ ફ્લાઇટ મળશે, દિલ્હીથી ત્રણ અને અમૃતસરથી વધુ બે. લંડનને અઠવાડિયે વધુ નવ ફ્લાઇટ મળશે, જેમાં પાંચ મુંબઈથી, ત્રણ દિલ્હીથી અને એક અમદાવાદથી સામેલ છે. કુલ સાત ભારતીય શહેરોને બ્રિટનની રાજધાની સુધી એર ઇન્ડિયાની નોન-સ્ટોપ ફ્લાઇટ મળશે.

ભારતમાંથી અમેરિકા સુધીની ફ્લાઇટ્સ દર અઠવાડિયે 34થી વધીને 40 થશે. એર ઇન્ડિયા મુંબઈને સાન ફ્રાન્સિસ્કો સાથે અઠવાડિયા ત્રણ સર્વિસ સાથે જોડશે અને બેંગાલુરુ ઓપરેશનને અઠવાડિયામાં ત્રણ વાર ફરી શરૂ કરશે. આ રીતે એર ઇન્ડિયાની સાન ફ્રાન્સિસ્કો સુધીની ફ્લાઇટ અઠવાડિયે 10થી વધીને 16 થશે, જેમાં દિલ્હી, મુંબઈ અને બેંગાલુરુથી નોન-સ્ટોપ સર્વિસ સામેલ છે.

આ અંગે એર ઇન્ડિયાના એમડી અને સીઇઓ કેમ્પ્બેલ વિલ્સને કહ્યું કે,“એર ઇન્ડિયા Vihaan.AIટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ અંતર્ગત પોતાની કામગીરી બદલી રહી હોવાથી મુખ્ય ભારતીય શહેરોમાંથી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળો સુધી ફ્રીક્વન્સી અને કનેક્ટિવિટીમાં વધારો કરવાની મહત્વપૂર્ણ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ અમેરિકા અને બ્રિટન સુધી સાઇઝેબલ ફ્રીક્વન્સી વધારશે તેમજ નવા શહેરોનો ઉમેરો કરશે.