ક્રિપ્ટો કરન્સીમાં મંદી માટે કારણભૂત ટેરા-લુના ક્રેશમાં ઉલ્ટી ગંગા
ટેરા રિબ્રાન્ડિંગ સાથે જ તેજીમાં, સાપ્તાહિક 50 ટકા ઉછાળો
ટેરા-લુના નેટવર્ક ક્રેશ થતાં ક્રિપ્ટો માર્કેટમાં મંદીનુ વાવાઝોડુ આવ્યુ હતું. જે હજી રોકાયુ નથી. જ્યારે બીજી બાજુ મંદી માટે કારણભૂત ટેરાનુ રિબ્રાન્ડિંગ થતાં જ તેમાં તેજી જોવા મળી છે. ટેરા ક્લાસિક તરીકે નેટવર્ક 27 મેએ લોન્ચ થવા સાથે જ તેજી જોવા મળી છે. સોમવારે 45.35 ટકા ઉછાળા સાથે 0.000085 ડોલર પર ટ્રેડેડ હતો. સાપ્તાહિક 47.84 ટકા તેજી નોંધાવી છે. જો કે, માસિક ધોરણે 20.35 ટકા ઘટાડો પણ નોંધાવ્યો છે. બીજી બાજુ ટેરા ક્લાસિક યુએસડી માસિક ધોરણે 39.54 ટકા, સાપ્તાહિક 409.20 ટકા અને એક દિવસમાં 143 ટકા ઉછળી 0.0407 ડોલર પર ટ્રેડિંગ કરી રહ્યો છે. એપ્રિલ અંતથી ક્રિપ્ટો માર્કેટમાં મંદીનો માહોલ સર્જાયો છે. જેની પાછળનું સૌથી મોટુ કારણ સ્ટેબલ કોઈન આધારિત બ્લોકચેઈન નેટવર્ક ટેરા-લુનામાં ગેરરીતિ સર્જાઈ હોવાનું હતું. જેના લીધે ક્રિપ્ટો માર્કેટમાં 2 લાખ કરોડ ડોલરનું ધોવાણ થયુ હતું. ટોચની ક્રિપ્ટો કરન્સી બિટકોઈન 68 હજાર ડોલરની સપાટીથી 63 ટકા તૂટી 19 હજાર ડોલરે પહોંચી હતી. આ ઉપરાંત અન્ય કરન્સીના ભાવ પણ અડધા થયા હતાં.
બિટકોઈન સહિતની ક્રિપ્ટોમાં ગત સપ્તાહથી નજીવો સુધારો, માર્કેટ સાવચેતીનું
સંસ્થાકીય રોકાણકારો નીચા ભાવે બિટકોઈન, ઈથેરિયમ, સોલાના સહિતની ક્રિપ્ટોમાં ખરીદી વધારતા તેમજ બિટકોઈન માઈનર્સ દ્વારા મોટાપાયે સ્ટોક ખાલી કરાતાં ગત સપ્તાહથી ક્રિપ્ટો માર્કેટમાં ધીમો સુધારો જોવા મળ્યો છે. બિટકોઈન સાપ્તાહિક 1 ટકા સુધરી 20729.68 ડોલર, ઈથેરિયમ 5.68 ટકા ઉછળી 1187.07 ડોલર પર ટ્રેડેડ છે. બિટકોઈન માટે દૈનિક વલણ ઘટાડાની પેટર્ન દર્શાવે છે. જેથી માર્કેટ સાવચેતીનું રહેશે.