ડોલર સામે રૂપિયો પ્રેશરમાં, શોર્ટ ટર્મ રેન્જ 79-80 રહેશે: Agencies
ક્રૂડ ઓઈલ અને અન્ય કોમોડિટીના ઊંચા ભાવને કારણે રૂપિયો ડોલર સામે દબાણ હેઠળ રહેવાની શક્યતા છે અને શોર્ટ ટર્મ રેન્જ યુએસ ડોલર સામે 79-80ની આસપાસ સ્થિર રહેશે. રશિયા-યુક્રેન યુદ્ધના લીધે ક્રૂડ ઓઈલના ભાવો દાયકાની ટોચે પહોંચ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ડોલર સામે રૂપિયો અત્યારસુધી 5 ટકા તૂટ્યો છે. સોમવારે રૂપિયો ડોલર સામે 78.34ના નવા રેકોર્ડ તળિયે બંધ રહ્યો હતો. વિવિધ એજન્સીઓ દ્વારા ડોલરની રેન્જ નીચે મુજબ છે…
પીડબ્લ્યૂસી
આયાત ખર્ચમાં વૃદ્ધિ તેમજ વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણે ડોલરની માગ વધી છે. જેથી રૂપિયામાં ઘટાડાની સંભાવના વધી છે. રેન્જ 77.5-79.5 રહેશે.
ઈકરા:
યુએસ ફેડ દ્વારા પોલિસી આકરી કરવાનો નિર્ણય અમેરિકી ડોલરને મજબૂત બનાવી રહ્યો છે. ક્રૂડના વધતા ભાવો વચ્ચે રૂપિયાની રેન્જ 77થી 80 પર રહેશે.
એચડીએફસી સિક્યુરિટીઝ
આરબીઆઈ પાસે પર્યાપ્ત રિઝર્વ્સ છે, જે રૂપિયામાં સ્થિરતા લાવી શકે છે. હાલ, ડોલરની માગ વધુ છે. વધતા વ્યાજદરો અને નબળા ગ્રોથ વચ્ચે રૂપિયો 79.50 પર સ્થિર રહેવાની શક્યતા છે.
મોતિલાલ ઓસ્વાલ
મોંઘવારીમાં વૃદ્ધિ, વિદેશી રોકાણકારોની વેચવાલી, કોમોડિટીના વધતાં ભાવો, સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરોમાં વધારો સહિતના પરિબળોને પગલે રૂપિયો ડોલર સામે 80ની સપાટી ક્રોસ કરશે.
ફોરેક્સ રિઝર્વ 6 અબજ ડોલર ઘટી
દેશની ફોરેક્સ રિઝર્વ 17 જૂને પૂર્ણ થતાં સપ્તાહમાં વધુ 5.87 અબજ ડોલર ઘટી 590.588 અબજ ડોલર થઈ છે. મર્ચેન્ડાઈઝ વેપાર ખાધ મેમાં વધી 24.29 અબજ ડોલર રહેવાનો અંદાજ હતો.