અમદાવાદ, 20 ઓક્ટોબરઃ દેશની રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રૂપિયા પર ડોલરના પ્રેશરમાં ઘટાડો કરતાં ગુરૂવાર મોડી સાંજથી ડોલરની વેચવાલી વધારતા આજે રૂપિયામાં સુધારો જોવા મળ્યો છે.

શુક્રવારે રૂપિયો ડોલર સામે 83.2450થી 6 પૈસા વધી 83.1875 પર પહોંચ્યો હતો. બાદમાં  13 પૈસા સુધારા સાથે 83.11 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ જોખમની વધતી ક્ષમતા, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને ફેડ દ્વારા વ્યાજદરોમાં વધારાની જાહેરાતના પગલે ડોલર સામે એશિયાઈ કરન્સીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું કે ફુગાવાને અંકુશમાં લેવા માટે નીતિને વધુ કડક કરવાની જરૂર પડી શકે છે. ત્યારબાદ 10-વર્ષની યુએસ યિલ્ડ ઘણા વર્ષોના ઉચ્ચતમ સ્તરે પહોંચી હતી. જેના કારણે અન્ય એશિયન કરન્સીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ફોરેન એક્સચેન્જ સેલ્સ પર્સને જણાવ્યું હતું કે, રૂપિયો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, પરંતુ સેન્ટ્રલ બેન્કનો ટેકો મળતા રૂપિયો સ્થિર વલણ જાળવી રહ્યો છે. આરબીઆઈની દખલગીરીના પગલે રૂપિયાને ઘટતો અટકાવવામાં આવ્યો છે, પરંતુ તેમાં નોંધનીય સુધારો જોવા મળે તેવી કોઈ શક્યતા નથી.

છેલ્લા કેટલાક સત્રોમાં રૂપિયો 83.29ની રેકોર્ડ નીચી સપાટીએ નબળો પડતો અટકાવવા માટે આરબીઆઈએ દખલગીરી કરી છે. 10-વર્ષની યુએસ ટ્રેઝરી યીલ્ડ 4.96% હતી, જે 2007 પછી સૌથી વધુ છે. મજબૂત અર્થતંત્ર, ટર્મ પ્રીમિયમના કારણે યિલ્ડમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ સતત ચોથા દિવસે વધીને $93.30 પર પહોંચ્યુ હતું. મધ્ય-પૂર્વમાં યુદ્ધની શરૂઆતથી અત્યારસુધીમાં બ્રેન્ટ લગભગ 10% વધ્યો છે.