અમદાવાદઃ અદાણી ગ્રૂપના શેરોમાં તેજીની મદદથી, અબજોપતિ ગૌતમ અદાણી  2022ના વર્ષમાં વિશ્વના ત્રીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ તરીકે જ નહીં પરંતુ દુનિયાના અન્ય કોઈ કરતાં પણ વધુ અબજોની કમાણી કરીને ટોચના કમાઉ ઉદ્યોગકાર તરીકે 2022ના વર્ષને શુકનવંતુ વર્ષ માની એક યાદગાર વર્ષ તરીકે વિદાય આપી રહ્યા છે.

અદાણી ગ્રૂપના શેરોએ આ વર્ષે રોકાણકારોને શાનદાર વળતર આપવા સાથે બખા કરાવી દીધા છે, જેમાં મહાકાય સાતમાંથી ચાર સ્ટોક્સે 200% સુધી મલ્ટિબેગર વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં ઉદ્યોગ સમૂહની કુલ માર્કેટકેપ  જે 2021માં રૂ.9.6 લાખ કરોડની હતી તેની તુલનાએ ડિસેમ્બર મધ્યે લગભગ બમણી થઈને રૂ.18.6 લાખ કરોડ થઈ ગઈ છે.

જગતભરના સૌથી 500 ધનિક લોકોને દરજ્જો આપતા બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ દર્શાવે છે કે ગૌતમ અદાણી 2022માં 47 બિલિયન ડોલરથી અમીર બન્યા છે. આ યાદીમાં સૌથી નીચે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક છે, જેઓ અદાણી અને વિશ્વના નંબર 2 કરતા અમીર હોવા છતાં આ વર્ષે ડોલર 114 અબજ ગુમાવ્યા છે.

ગૌતમ અદાણી શ્રીમંતોની યાદીમાં તેમની અંદાજિત નેટવર્થ ડોલર 124 બિલિયન સાથે મસ્ક (156 બિલિયન ડોલર) અને ફ્રેન્ચના લક્ઝરી રિટેલ કિંગ બર્નાર્ડ આર્નોલ્ટ (16૩ બિલિયન ડોલર) કરતાં પાછળ છે.

અમદાવાદ સ્થિત આ વૈશ્વિક અદાણી સમૂહ હવે મીડિયા બ્રોડકાસ્ટર NDTVનું સંપાદન પૂર્ણ કરવાના આખરી તબક્કામાં છે. વર્ષના આરંભમાં અંબુજા સિમેન્ટ અને ACC ખરીદીને ભારતની તે બીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક બની હતી.