ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા વિના સો ટકા સ્થાનિક ટેક્નોલોજીથી ઇલેક્ટ્રોલાઈઝર ડેવલપ કર્યું

અમદાવાદ, 7 માર્ચઃ ગ્રીન્ઝો એનર્જીએ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે સો ટકા સ્થાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક  મેગાવોટની ક્ષમતા ધરાવતું આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર લોન્ચ કર્યું છે. ભારતમાં જ બનાવવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ ઇલેક્ટ્રોલાઈઝર છે. મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટીવ હેઠળ આ ઇલેક્ટ્રોલાઈઝર ડેવલપ કરવામાં આવ્યું છે.

વાર્ષિક 250 મેગાવોટની પ્લાન્ટ કેપેસિટી ધરાવતું ગ્રીન્ઝો ઇન્ડિયાનું પહેલું ઇલેક્ટ્રોલાઈઝર ગ્રીન્ઝો એનર્જીની દૂરંદેશીને પ્રમાણિત કરે છે. આ ઇલેક્ટ્રોલાઈઝર વિશિષ્ટ ફીચર્સ ધરાવતું ઇલેક્ટ્રોલાઈઝર છે. દરિયા કિનારો ન ધરાવતા અને ચોતરફ માત્ર જમીન જ ધરાવતા 45 દેશોમાંથી-લેન્ડલૉક કંટ્રીમાંથી આ ઇલેક્ટ્રોલાઈઝર બનાવવા માટે કોઈપણ પૂરજાની આયાત કરવામાં આવી નથી. તેથી આ ઇલેક્ટ્રોલાઈઝર ભારતની ઉર્જાની જરૂરિયાત પૂરી કરવા માટેનો સંપૂર્ણપણે દેશી ઉકેલ હોવાનું જણાવી શકાય છે. આમ ઇલેક્ટ્રોલાઈઝરની બાબતમાં ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યું છે. 

ઇલેક્ટ્રોલાઈઝર લોન્ચ કરવા માટે યોજવામાં આવેલા ખાસ સમારોહમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત, એમએસએમઈ મિનિસ્ટર જગદીશ વિશ્વકર્મા, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને ગૃહ ખાતાના રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી સહિત સંખ્યાબંધ મહાનુભાવોએ તેમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે બોલતા ગુજરાતના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દેશના ગ્રીન હાઈડ્રોજનના હબ તરીકે ગુજરાતના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મોટી છલાંગ લગાવી છે. 2070 સુધીમાં વાતાવરણમાં શૂન્ય ટકા કાર્બન છોડવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં પણ મદદરૂપ બનશે.

ઈલેક્ટ્રોલાઈઝર બનાવવા માટે તેમણે સ્થાનિક નિષ્ણાતો અને સ્રોતોની મદદ લીધી

ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયાના સીઈઓ સંદીપ અગ્રવાલે આ સફળતા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, “સો ટકા સ્વદેશી ટેક્નોલોજીથી અમે બનાવેલા એક મેગાવોટના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર અમારી ટીમે મેળવેલી નોંધપાત્ર સફળતાને પ્રતિબિંબિત કરે છે. ઈલેક્ટ્રોલાઈઝર બનાવવા માટે તેમણે સ્થાનિક નિષ્ણાતો અને સ્રોતોની મદદ લીધી છે. અમે નિર્માણ કરેલો ઉકેલ માત્ર ભારતની ઉર્જાની જરૂરિયાતને સંતોષતો નથી, પરંતુ પર્યાવરણની જાળવણી કરવા માટે ભારત સરકારે દાખવેલી પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવામાં પણ મદદ કરે છે.”

250 મેગાવોટના ઇલેક્ટ્રોલાઈઝર બનાવવા ક્ષમતા સાથેનું વિશ્વકક્ષાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપશે

ગ્રીન ગ્રોથને સપોર્ટ કરવા અને નવસંસ્કરણ કરવા માટે ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ વરસે 250 મેગાવોટના ઇલેક્ટ્રોલાઈઝર બનાવવા ક્ષમતા સાથેનું વિશ્વકક્ષાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી રહ્યું છે. કંપનીનું આ વ્યૂહાત્મક પગલું ભારતના ગ્રીન ટ્રાન્સફોર્મેશન અને રાષ્ટ્રના ટકાઉ ભાવિનું નિર્માણ કરવા માટેની કંપનીના સમર્પણ ભાવને પ્રતિબિંબિત કરે છે. આ પ્લાન્ટ ચાલુ કરીને કંપની 10,000 લોકોને ગ્રીન હાઈડ્રોજનના સેક્ટરમાં સીધી અને આડકતરી રોજગારી આપશે. આ રીતે દેશના સામાજિક આર્થિક વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપશે.

ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેર નજીક સામંદ વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ સાણંદ-2 ઔદ્યોગિક વિસ્તારમાં આલ્કલાઈન આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 5 મેગાવોટની ક્ષમતા ધરાવતું એક ઇલેક્ટ્રોલાઈઝર પણ ડેવલપ કરવાનું આયોજન કરી રહી છે. ગ્રીન હાઈડ્રોજનની સતત વધી રહેલી ડિમાન્ડન પહોંચી વળવા માટે અને પાંચ મેગાવોટના સિંગલ ઇલેક્ટ્રોલાઈઝર ડેવલપ કરવાની દિશામાંના કંપનીના વિસ્તરણના ઉપરોક્ત આયોજનને ધ્યાનમાં લેતા કંપની ગ્રીન એનર્જીનું સોલ્યુશન પૂરું પાડવા માટેની તેની ક્ષમતામાં વૃદ્ધિ કરવાની કેટલી બુલંદ મહત્વાકાંક્ષા ધરાવે છે તે પણ પ્રતિબિંબિત કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)