IL&FSએ લેણદારોને રૂ. 35,650 કરોડ ચૂકવ્યા, વધુ રૂ. 22 હજાર કરોડના ડેટ રિઝોલ્યુશન્સ પર કામગીરી
નવી દિલ્હી, 3 ઓક્ટોબરઃ દેવાના બોજા હેઠળ બેન્કરપ્ટ થયેલા આઈએલએન્ડએફએસ બોર્ડે રિઝોલ્યુશન પ્લાન મુજબ બાકી દેવાની ચૂકવણી કરી રહી છે. કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, કંપનીએ 30 સપ્ટેમ્બર સુધીમાં એસેટ મોનેટાઈઝેશન, બેન્કો દ્વારા ઓટો ડેબિટ અને અન્ય સંસ્થાઓના દેવાં પૈકી રૂ. 35,650 કરોડનું દેવુ ચૂકવી આપ્યું છે.
રિઝોલ્યુશન પ્લાન મુજબ, નવા સ્થપાયેલા IL&FS બોર્ડે તેના ધિરાણકર્તાઓને રૂ. 61,000 કરોડનું દેવું ચૂકવવાનું વચન આપ્યું હતું. ઑક્ટોબર 2018ના અંતમાં કંપનીના કુલ દેવાનું ભારણ રૂ. 99,000 કરોડ સાથે બેન્કરપ્ટ થઈ હતી.
કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, અન્ય રૂ. 20,000-22,000 કરોડની ચુકવણી માટે રિઝોલ્યુશન પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરાંત, જૂથે બે વર્ટિકલ હોલ્ડિંગ કંપનીઓ અને ગ્રૂપ હોલ્ડિંગ કંપની સહિત 14 કંપનીઓમાં વચગાળાના વિતરણ દ્વારા અંદાજે રૂ. 10,000 કરોડની કુલ ચુકવણી પૂર્ણ કરી હોવાનું પણ જણાવ્યું હતું.
IL&FS ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર નંદ કિશોરે જણાવ્યું હતું કે, “નવા બોર્ડ દ્વારા પ્રસ્તાવિત અને NCLAT દ્વારા ગયા વર્ષે મંજૂર કરાયેલ વચગાળાના વિતરણ માળખા હેઠળ રૂ. 10,000 કરોડનું પે-આઉટ હાંસલ કરવા બદલ અમે ખુશ છીએ.
આનાથી અમને ફાઇનલ રિઝોલ્યુશનની રાહ જોયા વિના વચગાળાના ધોરણે વર્ટિકલ હોલ્ડિંગ કંપનીઓ અને ગ્રૂપ હોલ્ડિંગ કંપનીમાં રોકાણ કરાયેલા કેટલાક જાહેર ભંડોળ અને ડિબેન્ચર ધારકો સહિત પાત્ર લેણદારોને બાકી ચૂકવણી કરવાની મંજૂરી મળી છે.”
IL&FS એ ત્રણ કંપનીઓ – IL&FS લિમિટેડ, IFIN અને ITNLમાં વચગાળાના વિતરણ માળખા હેઠળ પાત્ર લેણદારોને રૂ. 2400 કરોડની ચૂકવણી શરૂ કરી છે. IL&FS, જે સપ્ટેમ્બર 2018માં પ્રથમ વખત તેની લોન ચુકવણીમાં ડિફોલ્ટ થઈ હતી, ત્યારે તેના ધિરાણકર્તાઓને રૂ. 90,000 કરોડથી વધુની ચૂકવણી કરવી પડી હતી. ઉદય કોટકની આગેવાની હેઠળના નવા બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલા તેના અગાઉના સોગંદનામામાં, IL&FS જૂથે કહ્યું હતું કે તે માર્ચ 2022 સુધીમાં રૂ. 55,000 કરોડનું દેવું ચૂકવશે.
IL&FSના નવા બોર્ડે દેવાની ચૂકવણી કરવા માટે વિવિધ પગલાં શરૂ કર્યા, જેમાં એસેટ મોનેટાઇઝેશન, ડેટ રિસ્ટ્રક્ચરિંગ, કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન અને લિક્વિડિટી મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.
તેણે IL&FS જૂથ કંપનીઓ દ્વારા લોનની વસૂલાત અને રોકાણને ઝડપી બનાવવા સહિત બહુવિધ રિઝોલ્યુશન પહેલ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ રકમનો ઉપયોગ સુધારેલા વિતરણ માળખા અનુસાર લેણદારોના દાવાઓ નિકાલ કરવા માટે કરવામાં આવશે.