ઈન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડે 1:1 બોનસ જાહેર કર્યું
અમદાવાદ, 3 ઓગસ્ટ: ફાર્મા ઇન્ટરમીડિએટ્સ, એપીઆઈ અને આયોડિન ડેરિવેટિવ્ઝના ઉત્પાદન સાથે સંકળાયેલી ઈન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડે એક શેરદીઠ એક શેર બોનસ (1:1) ઈશ્યૂને મંજૂરી આપી છે. કંપનીએ બોનસ ઈશ્યુના હેતુ માટે રેકોર્ડ તારીખ 13 સપ્ટેમ્બર 2023 તરીકે નક્કી કરી છે. કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) 28 ઓગસ્ટ ના રોજ યોજાશે.
કંપનીના બોર્ડે 1:1 ના રેશિયોમાં બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે એટલે કે રૂ. 10 ના એક ફુલ્લી પેઈડ ઈક્વિટી શેર ધરાવતા શેરધારકોને રૂ. 10 નો એક બોનસ ઈક્વિટી શેર મળશે. કંપનીના બોર્ડે અધિકૃત મૂડીમાં વધારો મંજૂર કર્યો છે, જેનાથી અધિકૃત મૂડી રૂ. 10 કરોડથી વધીને રૂ.25 કરોડ થશે.
કંપનીએ FY23 માટે રૂ. 9.49 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે FY22માં રૂ. 6.10 કરોડના ચોખ્ખા નફાની સરખામણીએ વાર્ષિક ધોરણે 55.4% ની વૃદ્ધિ દર્શાવે છે. FY23 માં ઓપરેશન્સમાંથી આવક 15.24% વધીને રૂ. 114.22 કરોડ થઈ હતી, જેની સામે FY22 માં રૂ. 99.12 કરોડની આવક નોંધાઈ હતી. ઇન્ફિનિયમ ફાર્માકેમના મેનેજિંગ ડિરેક્ટર સંજયકુમાર પટેલે જણાવ્યું કે, વર્ષ 2022 માં, કંપનીએ બેકવર્ડ ઈન્ટિગ્રેશન માટે બાયો-ફ્યુઅલ સેગમેન્ટમાં પેટાકંપની – ઇન્ફિનિયમ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી. ઇન્ફિનિયમ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ એગ્રો વેસ્ટમાંથી ઇકો-ફ્રેન્ડલી ઔદ્યોગિક ઇંધણના ઉત્પાદનના વ્યવસાયમાં રોકાયેલી છે. ઇન્ફિનિયમ ફાર્મકેમ ઇન્ફિનિયમ ગ્રીન એનર્જીમાં 51% ઇક્વિટી ધરાવે છે. કંપનીએ 14મી મે, 2023થી વ્યાપારી ઉત્પાદન શરૂ કર્યું છે.